કાંદાની નિકાસ ઉપરનો પ્રતિબંધ ફેબ્રુઆરી સુધી લંબાવાશે

કાંદાની નિકાસ ઉપરનો પ્રતિબંધ ફેબ્રુઆરી સુધી લંબાવાશે
મંચાર, તા. 19 (એજન્સીસ) : કાંદાના સ્થાનિક ભાવ નિયંત્રણમાં રાખવા માટે ભારત કાંદાની નિકાસ ઉપરનો પ્રતિબંધ ફેબ્રુઆરી સુધી લંબાવી શકે છે. એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. કમોસમી વરસાદને લીધે કાંદાના સ્ટોકને નુકસાન થતાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેને અંકુશમાં રાખવા માટે સરકાર આવતા ફેબ્રુઆરી સુધી કાંદાની નિકાસ ઉપરનો પ્રતિબંધ યથાવત્ રાખવા માગે છે.
વિશ્વમાં ભારત કાંદાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. આથી એશિયામાં ભાવ ઊંચો રહેશે અને નેપાળ, બાંગલાદેશ, શ્રીલંકાએ કાંદાની જરૂરિયાત અન્ય ત્રોતથી પૂરી કરવી પડશે.
કાંદાના સ્થાનિક ભાવ નિયંત્રણમાં રાખવા માટે સપ્ટેમ્બરમાં નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અૉક્ટોબર અને નવેમ્બરમાં કમોસમી વરસાદને લીધે કાંદાના પુરવઠા ઉપર માઠી અસર પડી હતી. ખાસ કરીને દેશના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં પ્રતિકૂળ અસર જોવા મળી હતી.
કાંદાના હોલસેલ ભાવ આંશિક ઘટીને પ્રતિકિલો રૂા. 40 થયા છે, જે આ મહિનાની શરૂઆતમાં રૂા. 55 હતા. ગ્રાહક બાબતોના મંત્રાલયના વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે ભાવ ઘટે તે પછી નિકાસ ફરી શરૂ કરવાની વિચારણા કરવામાં આવશે. હાલમાં નિકાસ સંભવ નથી. જાન્યુઆરીથી સપ્લાઈ વ્યવસ્થિત રહેવાની અપેક્ષા છે. ભાવ પ્રતિ કિલો રૂા. 20ની નીચે જાય તે પછી નિકાસની પરવાનગી અપાશે.
ઉનાળાનાં પાકની આવક થતાં નવેમ્બરનાં બીજા પખવાડિયામાં નિકાસ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવાય તેવી શક્યતા કાંદા ઉત્પાદકો અને સરકારી અધિકારીઓએ વ્યક્ત કરી છે. મુંબઈના પૂર્વથી 180 કિલોમીટર દૂર ગોડેગામના 79 વર્ષીય ખેડૂત સખારામ દરેકરે કહ્યું કે ગયા મહિને મુશળધાર વરસાદને લીધે ખેતરમાં ઘણા દિવસો સુધી પાણી ભરાઈ રહ્યું હતું અને કાંદાના પાકની ખેતી માટે મારી બે એકર જગ્યામાં ભારે નુકસાન થયું હતું. વરસાદને લીધે શિયાળાની વાવણી પણ મોડી પડી છે. નાશિકના ખેડૂત દિનેશ ખેરનારે કહ્યું કે મને કાંદાની ખેતી કરવી છે, પરંતુ બિયારણ ઉપલબ્ધ નથી.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer