પરવેઝ મુશર્રફ વિરુદ્ધ રાજદ્રોહના કેસમાં ચુકાદો અનામત

દોષિત ઠરે તો મૃત્યુદંડની સંભાવના
ઈસ્લામાબાદ, તા. 19 : પાકિસ્તાનની એક વિશેષ અદાલતે મંગળવારે પૂર્વ સૈન્ય સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફ સામે ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. અદાલત આગામી 28 નવેમ્બરના રોજ પોતાના ચુકાદો સંભળાવશે.  રાજદ્રોહના કેસમાં હવે જો મુશર્રફને દોષિત ઠેરવવામાં આવે તો તેને ફાંસીની સજા થઈ શકે છે. પાકિસ્તાનની પીએમએલ-એન સરકારે પૂર્વ સેના પ્રમુખ મુશર્રફ ઉપર 2013મા કેસ કર્યો હતો. મુશર્રફ ઉપર નવેમ્બર 2007મા સંવૈધાનિક કટોકટી લાદવાનો આરોપ છે.
જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતાની ત્રણ સભ્યની ખંડપીઠે મુશર્રફ સામે દેશદ્રોહના મામલાની સુનાવણી કરી હતી. અદાલતે ફેંસલો સુરક્ષિત રાખવા ઉપરાંત મુશર્રફના વકીલને 26 નવેમ્બર સુધીમાં અંતિમ દલીલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. પાકિસ્તાની અખબારી અહેવાલ મુજબ મુશર્રફને દોષિત ઠેરવવામાં આવે તો તેને ફાંસીની સજા થઈ શકે છે. પાકિસ્તાનના ઈતિહાસમાં મુશર્રફ પહેલા સેના પ્રમુખ છે જેના ઉપર દેશદ્રોહના મામલામાં આરોપ ઘડવામાં આવ્યા છે. જો કે મુશર્રફ અગાઉ પોતાના ઉપરના તમામ આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવી ચૂક્યા છે. અગાઉ 2016મા મુશર્રફ દુબઈ ભાગી જતા મામલાની સુનાવણી ઠપ થઈ હતી. મુશર્રફે મેડિકલ ટ્રીટમેન્ટનો હવાલો આપીને પાકિસ્તાન છોડયું હતું. જો કે પરત ફરવાની પણ વાત કરી હતી.  જો કે થોડા સમય બાદ પાકિસ્તાનની વિશેષ અદાલતે મુશર્રફને ભાગેડુ જાહેર કર્યા હતા. કાયદાકીય કાર્યવાહી વચ્ચે મુશર્રફે સુરક્ષાનો હવાલો આપીને પાકિસ્તાન પરત ફરવાનો ઈનકાર કરી દીધો હતો. જેના કારણે મુશર્રફની પાકિસ્તાનની સંપત્તિ જપ્ત થઈ હતી.  Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer