પુંચમાંથી 7 આઈઈડી જપ્ત જમ્મુ-રાજૌરી હાઇવે ઉપર સેનાએ વિસ્ફોટક કર્યા નાકામ

પુંચ, તા. 19: સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં એક આતંકવાદી સ્થળનો ભાંડાફોડ કરતા વિસ્ફોટક ઉપકરણ અને એક વાયરલેસ સેટ જપ્ત કર્યો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે રવિવારે સુરનકોટના જંગલમાં સંદિગ્ધ શખસોની અવર જવરની બાતમી આધારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એક સ્થળેથી 7 આઈઈડી, ગેસ સિલિન્ડર અને વાયરલેસ સેટ મળી આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે, આ તપાસમાં કોઈ વ્યક્તિની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. આ ઓપરેશન ભારતીય સેના અને પોલીસે સંયુક્ત રૂપે ચલાવ્યું હતું. બીજી તરફ જમ્મુ રાજૌરી હાઇ વે ઉપર આતંકવાદીઓ દ્વારા વિસ્ફોટક લગાડીને તબાહીને અંજામ આપવાના ષડયંત્રને સેનાએ નાકામ કર્યું હતું. રાજૌરી ટાઉનથી 12 કિમી દૂર સેનાની પેટ્રોલિંગ પાર્ટીએ બે સ્થળે વિસ્ફોટક મળી આવતા વાહનોની અવરજવર રોકી હતી અને આઈઈડી નાકામ કર્યા હતા.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer