કૉંગ્રેસ અધ્યક્ષ નહીં રહેશે જલિયાંવાલા બાગ મેમોરિયલનો હિસ્સો

રાજ્યસભામાં ખરડાને મંજૂરી : સંસદમાં વિપક્ષના નેતા બનશે ટ્રસ્ટના સભ્ય
નવી દિલ્હી, તા. 19 : જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ સંશોધન બિલને મંગળવારે રાજ્યસભામાંથી પણ મંજૂરી મળી છે. આ સાથે જ હવે કોંગ્રેસ અધ્યક્ષ ટ્રસ્ટના સભ્ય રહી શકશે નહી. જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ એક્ટ, 1951 હેઠળ ટ્રસ્ટને મેમોરિયલના નિર્માણ અને પ્રબંધનનો અધિકાર છે. આ ઉપરાંત એક્ટમાં ટ્રસ્ટીઓની પસંદગી અને તેના કાર્યકાળ અંગે પણ જોગવાઈ છે. અત્યારસુધી કોંગ્રેસના અધ્યક્ષ મેમોરીયલ ટ્રસ્ટના સ્થાયી સભ્ય હતા પણ હવે નહી રહે. હવે લોકસભામાં નેતા વિપક્ષ ટ્રસ્ટનો હિસ્સો બનશે. 
ખરડો પસાર થવાથી ગાંધી પરિવારના કોઈ સભ્ય ટ્રસ્ટના સભ્ય નહી રહે. આ અગાઉ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હવે ફરી સોનિયા ગાંધી ટ્રસ્ટના સભ્ય બન્યા હતા. છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ગાંધી પરિવારે સ્થાયી સભ્યનું પદ મેળવ્યું હતું. જ્યારે હવે ખરડો પસાર થયા બાદ હવે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી ટ્રસ્ટના સભ્ય બનશે. આ અગાઉ સરકારે મોનસુન સત્ર દરમિયાન જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. જેને ધ્વની મતથી પસાર કરવામાં આવ્યું હતું.  નવી જોગવાઈ પ્રમાણે સરકારને અધિકાર આપવામાં આવ્યો છે કે તે ટ્રસ્ટના કોઈપણ સભ્યને કાર્યકાળ પુરો થયા પહેલા જ હટાવી શકે છે. આ અગાઉ  2006મા યુપીએ સરકારે ટ્રસ્ટના સભ્યોને પાંચ વર્ષનો કાર્યકાળ આપવાની જોગવાઈ કરી હતી.  વર્તમાન સમયે પીએમ નરેન્દ્ર મોદી ટ્રસ્ટના પ્રમુખ છે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer