આપસી ઝઘડાથી નુકસાન થાય છે છતાં ઝઘડા અટકતાં નથી મોહન ભાગવત

નાગપુર, તા. 19 : આપણે જો પ્રકૃતિનો નાશ કરશું તો આપણે પોતે ખતમ થઈ જશું. આમ છતાં પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું કામ ચાલુ છે. તે રીતે આપણે જાણીએ છીએ કે આપસમાં ઝઘડાં કરવાથી બન્નેનું નુકસાન થશે. આમ છતાં ઝઘડવાનું બંધ થતું નથી એવું સૂચક વિધાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કર્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનપદ અને સત્તાની વહેંચણી માટે ખેંચતાણના સંદર્ભમાં આ વિધાનને મહત્ત્વનું માનવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગવતે આ મુજબ જણાવ્યું હતું. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે સ્વાર્થ એ ખરાબ બાબત છે. આમ છતાં સ્વાર્થનો ત્યાગ બહુ જ ઓછા લોકો કરી શકે છે. પછી તે સ્વાર્થ વ્યક્તિનો હોય અથવા દેશનો એમ ભાગવતે ઉમેર્યું હતું.
મોહન ભાગવતે આ સૂચક વિધાન કર્યું હોવા છતાં ભાજપ અને શિવસેના વચ્ચે મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપના વિશે ચર્ચા શરૂ થાય એવી હાલ સંભાવના નથી.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer