શિવસેનાએ ભાજપની તુલના મહંમદ ઘોરી સાથે કરી

સામનામાં ભાજપની કરાઈ ટીકા, કહ્યું ઉપકારનો બદલો અપકારથી આપ્યો છે
મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : દંતકથા સમાન રાજા પૃથ્વીરાજ ચૌહાણે 13મી સદીમાં ભારત ઉપર વારંવાર આક્રમણ કરનારા મહંમદ ઘોરીને કેટલીયવાર જીવતો જવા દીધો હતો, પણ આખરે ઘોરીએ જ ચૌહાણની હત્યા કરી હતી. ભાજપ એ મહંમદ ઘોરી સમાન છે એમ શિવસેનાએ જણાવ્યું હતું.
શિવસેનાના મુખ્યપત્ર `સામના'માં જણાવવામાં આવ્યું છે કે, ભાજપે અમને પડકાર ફેંક્યો છે તેથી અમે તેને જડમૂળથી ઉખેડીને ફેંકી દેશું. શિવસેનાના ટેકા વડે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની સ્થાપના થઈ ત્યારે શાસક ભાજપના નેતાઓ બાળકો હતાં. ભારતમાં ઈસ્લામના શાસનનો પાયો નાખનારા મહંમદ ઘોરી અને હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણે ઘણાં યુદ્ધ કર્યાં હતાં. હાર પછી ચૌહાણે ઘોરીને જીવતો જવા દીધો હતો. જોકે, જ્યારે ચૌહાણ યુદ્ધ હાર્યા પછી ઘોરીએ તેમને મારી નાખ્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેનાએ કેટલાક કૃતધ્ન લોકોને કેટલીક વાર જવા દીધા હતા. હવે તેઓ અમારી પીઠ ઉપર ઘા કરવાનો પ્રયત્ન કરે છે એમ ભાજપનું નામ લીધા વિના `સામના'માં જણાવી દેવામાં આવ્યું છે.
`સામના'ના તંત્રીલેખમાં શિવસેનાને સંસદમાં વિરોધ પક્ષો માટેની બેઠક ફાળવવામાં આવી તેની ટીકા કરતાં જણાવવામાં આવ્યું છે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની બેઠક વિના બેઠકોની ફાળવણી અંગે કોણ નિર્ણય લઈ શકે? અગાઉ એનડીએના વડા લાલકૃષ્ણ અડવાણી હતા અને સંયોજક જ્યોર્જ ફર્નાન્ડીસ હતા. હવે એનડીએના વડા અને સંયોજક કોણ છે? શિવસેનાને દરવાજો દેખાડતા પહેલાં એનડીએના અન્ય ઘટકપક્ષોને તેની જાણ કરવામાં આવી હતી? અગાઉ આ પ્રકારના નિર્ણયો બધા રાજકીય પક્ષો વચ્ચે સંમતિ સધાય પછી લેવામાં આવતા હતા. શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેની સાતમી પુણ્યતિથિના દિને જ શિવસેનાને વિપક્ષની પાટલી ઉપર બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉતાવળ ગંભીર અકસ્માતમાં પરિણમશે. ઉધ્ધતાઈના રાજકારણના અંતનો આરંભ થયો છે. તમે અમને પડકાર ફેંક્યો છે તેથી અમે તમને ઉખેડીને ફેંકશું એવું વચન અમે આપીએ છીએ. શિવસેના દ્વારા ભાજપને એનડીએની સ્થાપના માટે સમર્થન આપ્યું ત્યારે ભાજપના હાલના ટોચના નેતાઓ બાળક હતાં એમ `સામના'માં ઉમેરવામાં આવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ રવિવારે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારના શિવસેનાના પ્રધાન અરવિંદ સાવંતે હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રમાં કૅંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે પૂર્વશરતના ભાગરૂપે તેમણે રાજીનામું આપ્યું છે.
કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના નેતાઓની બેઠક આજે
મહારાષ્ટ્રમાં સરકાર રચવાની સંભાવના અંગે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાઓ વચ્ચે મંગળવારે દિલ્હીમાં બેઠક યોજાવાની હતી, પણ કૉંગ્રેસના નેતાઓ ઈન્દિરા ગાંધીની જન્મજયંતીના કાર્યક્રમમાં રોકાયા હોવાથી તે બેઠક બુધવાર (આજે) પર મુલતવી રાખવામાં આવી છે. આ બેઠકમાં કૉંગ્રેસવતીથી મલ્લિકાર્જુન ખરગે, અહમદ પટેલ, કે. સી. વેણુગોપાલ અને મહારાષ્ટ્રના નેતાઓ સહભાગી થશે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસવતીથી પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, અજિત પવાર અને જયંત પાટીલ સહભાગી થશે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer