ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હવે ઉત્તરોત્તર વધવાનો વરતારો

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19 : ઈશાન દિશામાંથી  પવનો ફૂંકાતાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં પવનની સાથે લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે અને હજુ આગામી દિવસોમાં ઠંડી વધશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, શિયાળાની ઠંડીનો અહેસાસ ધીમે ધીમે થવા લાગ્યો છે અને જેમ જેમ ડિસેમ્બર નજીક આવશે તેમ તેમ ઠંડીનું પ્રમાણે વધશે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનું તાપમાન નીચું રહેશે. 
રાજ્યમાં તાપમાન ઘટી રહ્યું છે. પવનની દિશા બદલાવાની સાથે એક સપ્તાહમાં પાંચ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટયું છે. ગુજરાતમાં સૌથી ઠંડું શહેર ગાંધીનગર નોંધાયું હતું અને ગાંધીનગરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી રહ્યું છે. ડીસા અને વડોદરાનું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી, સુરતનું લઘુતમ તાપમાન 20.4 ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી, નલિયાનું લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું્ છે. આમ મોટા ભાગનાં શહેરનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી નીચે નોંધાયું છે એટલે કે શિયાળાના ઠંડા પવનની અસર તાપમાન પર જોવા મળી રહી છે. 
જોકે, ગુજરાતમાં શિયાળાની ઠંડીનો અહેસાસ ડિસેમ્બર મહિનામાં થતો હોય છે, પરંતુ ઈશાનના મિશ્ર પવનને કારણે રાતે ઠંડીનો અહેસાસ અને દિવસે ગરમી, એમ બેવડી ઋતુનો અહેસાસ હાલ લોકોને થઇ રહ્યો છે, પરંતુ જેમ જેમ ઉત્તર તરફના ઠંડા અને સૂકા પવન ફૂંકાતાંની સાથે જ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. 
ચાલુ વર્ષે દિવાળી અને નવા વર્ષ બાદ પણ કમોસમી વરસાદની મોસમ ચાલી હતી તે જોતા ચાલુ વર્ષે શિયાળો લાંબો ચાલવાની સાથે સાથે કાતિલ ઠંડી પડવાની શક્યતાને નકારી શકાય તેમ નહીં.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer