ગુજરાત ભાજપના મંડળ પ્રમુખોની નિયુક્તિની પ્રક્રિયા પૂર્ણ

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19 : પ્રદેશ ભાજપના સંગઠન પર્વ અંતર્ગત મંડળના પ્રમુખોની વરણીની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે હવે પ્રદેશ સંગઠન દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની કામગીરી માટે પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ત્રણ-ત્રણ સભ્યોની નિરીક્ષકની ટીમ બનાવી ચાર ઝોન પ્રમાણે ચાર ટીમો દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જિલ્લા પ્રમુખોની જાહેરાત થવાની શક્યતા છે. 
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે. દર ત્રણ વર્ષે થતાં આ સંગઠન પર્વ અંતર્ગત મંડળથી લઈ પ્રદેશ સુધીના માળખામાં નવી નિમણૂકો કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રદેશ ભાજપના તમામ મંડળની નિયુક્તિની કામગીરી પૂર્ણ થઈ છે. હવે જિલ્લા અને મહાનગરોના પ્રમુખ અને મહામંત્રીઓ માટે પ્રદેશ નેતૃત્વ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. 
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ચાર ઝોનમાં જિલ્લા પ્રમુખની રચના માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા ત્રણ-ત્રણ સદસ્યોની ટીમ બનાવવામાં આવી છે. જે અનુસાર, સૌરાષ્ટ્રમાં પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા અને પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહીને તા.22 નવેમ્બર સુધીમાં જિલ્લાની સંકલન સમિતિ અને જિલ્લાના મુખ્ય આગેવાનોને મળીને જિલ્લા પ્રમુખના નામોની ચર્ચા-વિચારણા કરશે. ત્યારબાદ આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત પ્રદેશ ભાજપને આપશે.
એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, રાજ્ય સરકારના પ્રધાન ગણપતભાઈ વસાવા અને પ્રધાન કૌશિકભાઇ પટેલ, મધ્યગુજરાતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ જશવંતસિંહ ભાભોર તેમ જ ઉત્તર ગુજરાતમાં પ્રધાન આર સી ફળદુ, પ્રદેશ મહામંત્રી કે સી પટેલ અને પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડયાની નિમણૂક કરવામાં આવી છે. આમ, ચારેય સમિતિઓ પોતાનો અહેવાલ આપ્યા બાદ તા.30 નવેમ્બર સુધીમાં જિલ્લા પ્રમુખની નિમણૂક થઈ જાય તે મુજબ સંગઠનની સંરચનાની કામગીરી હાથ ધરાઇ છે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer