ફી વધારો ન ખેંચાય તો ફરી સંસદ ઘેરાવની જેએનયુ છાત્રોની ઘોષણા

પોલીસે નોંધી એફઆઇઆર
નવી દિલ્હી, તા.19 : જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ફી વધારાને લઈને છાત્રોના ભારે વિરોધ-પ્રદર્શન અને તેમના પર થયેલી પોલીસ કાર્યવાહીના લોકસભામાં પડેલા પડઘા વચ્ચે દિલ્હી પોલીસે ગઈકાલના દેખાવો દરમ્યાન વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર દર્જ કરાવી હતી.  જોકે જેએનયુ વિદ્યાર્થીઓએ શરૂ કરેલો વિરોધ હજી બંધ થયો નથી. આજે જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને સરકારને સીધો પડકાર ફેંક્યો હતો કે તેઓ નમશે નહીં અને જો વધારાયેલી ફી પરત નહીં ખેંચાય તો બીજી વખત પણ સંસદને ઘેરાવ કરાશે. દરમ્યાન, સંસદમાં કોંગ્રેસ અને બસપાએ વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીને બર્બરતાપૂર્ણ કૃત્ય લેખાવીને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી. ભાજપે જોકે વળતો જવાબ આપ્યો હતો. પત્રકાર પરિષદમાં વિદ્યાર્થીઓએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી સરકાર દ્વારા વધારવામાં આવેલી છાત્રાલયની ફી પૂરેપૂરી પરત લેવામાં આવશે નહીં ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. જેએનયુએસયુ અધ્યક્ષ આઈશી ઘોષે જાહેરાત કરી હતી કે, જો સંસદને વારંવાર ઘેરવાની જરૂર પડે તો તેઓ તે પણ કરશે. 
વિદ્યાર્થીઓ વતી કહેવામાં આવ્યું હતું કે અમે છેલ્લા 23 દિવસથી માગણી કરી રહ્યા છીએ પરંતુ કોઈ અમારી વાત સાંભળતું નથી. દિલ્હી પોલીસે કરેલો લાઠીચાર્જ એ બર્બરતા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઘાયલ થયેલા ઘણા વિદ્યાર્થીઓ પ્રેસ કોન્ફરન્સનો હિસ્સો બની શક્યા નથી. પત્રકાર પરિષદમાં વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસના પુરુષ જવાનો દ્વારા યુવતીઓને પકડી લેવામાં આવતી હતી જે તદ્દન અયોગ્ય છે.
વિદ્યાર્થીઓએ કહ્યું કે છેલ્લા 23 દિવસથી કોઈ અમારી વાત સાંભળતું નથી, તેથી જ અમે સંસદ સત્રનો પહેલો દિવસ પસંદ કર્યો, જેથી આપણે આપણા અવાજ સુધી પહોંચી શકીએ. જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ આઈશી ઘોષે આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેમને જે બસમાં પકડયા હતા તે સીધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી ન હતી પરંતુ તેને બદલે ફરતી રહી હતી.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer