ગાંધી પરિવારનું સુરક્ષા કવચ અને જેએનયુના મુદ્દે વિપક્ષોએ સંસદમાં મચાવ્યો હંગામો

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : ગાંધી પરિવારનું એસપીજી સુરક્ષા કવચ હટાવવાનો અને જેએનયુના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો મુદ્દો આજે લોકસભામાં છવાયેલો રહ્યો હતો. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘની એસપીજી સુરક્ષા હટાવી લેવાના સરકારના નિર્ણય સામે વિરોધ કરીને કૉંગ્રેસે આ મુદ્દો આજે ઉઠાવ્યો હતો અને વિરોધ કર્યા બાદ સભાત્યાગ કર્યો હતો.
લોકસભામાં વિરોધપક્ષ કૉંગ્રેસના નેતાઓએ ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવી લેવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પાસેથી જવાબ માગ્યો હતો. કૉંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ગંભીર ખતરાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવીને સૂત્રોચ્ચાર શરૂ કરતા અને ગૃહપ્રધાન પાસેથી નિવેદનની માગણી કરતાં ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાંથી ચાલ્યા ગયા હતા.
`સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામાન્ય વ્યક્તિઓ નથી. વાજપેયીજીએ ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા પૂરી પાડી હતી. 1991થી 2019થી એનડીએ બે વાર સત્તા પર આવી છે પરંતુ તેમની સુરક્ષા ક્યારેય પણ દૂર કરાઈ નથી' એમ કૉંગ્રેસના નેતા ચૌધરીએ જણાવ્યું હતું.
અગાઉ અધીર રંજને સરકારના આ પગલાંને વખોડતાં એવો સવાલ કર્યો હતો કે તેમનો ગુનો શું છે? સરકાર શા માટે વિપક્ષને નિશાન બનાવી રહી છે? ત્યાર બાદ કૉંગ્રેસના નેતાઓ સ્પીકરની બેઠક નજીક ગયા હતા અને `સુરક્ષાના નામે રાજકારણ બંધ કરો'ના સૂત્રો પોકાર્યાં હતાં. તેમણે `સરમુખત્યાર શાહી બંધ કરો,' `વડા પ્રધાન જવાબ આપો,' `અમને ન્યાય જોઈએ છે' એવાં પણ સૂત્રો ઉચ્ચાર્યાં હતાં. ત્યારબાદ તેમની સાથે ડીએમકે અને નેશનલ કોન્ફરન્સના સાંસદો પણ જોડાયા હતા.
મંગળવારે વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ ગાંધી પરિવારની ખાસ સુરક્ષા હટાવવાના ગૃહમંત્રાલયના પગલાં અંગે લોકસભામાં નોટિસ આપી હતી. લોકસભામાં ગૃહની કાર્યવાહી ચાલુ હતી ત્યારે પણ કૉંગ્રેસના સાંસદોનું વિરોધ પ્રદર્શન ચાલું હતું. વિપક્ષોએ આજે જેએનયુના વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના એક જૂથને વિખેરવા દિલ્હી પોલીસે લીધેલા પગલાંનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઘણા સાંસદોએ પોલીસના અત્યાચારની ટીકા કરી હતી અને રાજ્યસભામાં કાર્યવાહી રદ કરવાની માગણી કરી હતી.
બસપા સાંસદ દાનિશ અલીએ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પોલીસના અત્યાચારોની ટીકા કરી હતી. તેમણે જેએનયુના વિદ્યાર્થીઓ પર પોલીસના લાઠીચાર્જને કમનસીબ ગણાવ્યો હતો અને ઉચ્ચસ્તરીય તપાસની માગણી કરી હતી. ટીએમસીના સાંસદ સૌગતા રોયે પણ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સોમવારે સંસદ તરફ કૂચ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓને તેમના ફેકલ્ટી સભ્યો સાથે અટકાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થતાં દિવ્યાંગો સહિતના ઘણા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer