એફડીએનો થાણેમાં દરોડો 88 લાખ રૂપિયાનાં સૌંદર્ય પ્રસાધનો જપ્ત કર્યાં

મુંબઈ, તા.19 : સોમવારે એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન)એ થાણેની નાયકા ઇ રિટેલ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાં દરોડો પાડીને 88 લાખ રૂપિયાની કિંમતના બ્રૅન્ડેડ કાજલ, લિપસ્ટિક, લિપબામ, આઇલાઇનર સહિતનાં સૌંદર્ય પ્રસાધનોનાં ભરેલાં બોક્સ જપ્ત કર્યાં હતાં. આ ઉત્પાદનો લાઇસન્સ વગર બજારમાં વેચાઇ રહ્યાંનો કેસ એફડીઆઇએ કર્યો છે.
દરોડાની કાર્યવાહી કરનારી એફડીએની ટીમના સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે ચોક્કસ બાતમીના પગલે એફડીએએ કાર્યવાહી કરીને કોસ્મેટિક્સનો આ જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે બેલેઝા ઇટાલિયા, વિરાર (પૂર્વ)નાં આ ઉત્પાદનો કોઇપણ પ્રકારનાં લાઇસન્સ વગર જ એનઇએલએફ કોસ્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બજારમાં ગેરકાયદે વેચાઇ રહ્યાં છે. જે એફડીએના કાયદાનું છેડેચોક ઉલ્લંઘન છે. હવે આ ઉત્પાદનોની ગુણવત્તા નક્કી કરવા માટે લેબોરેટરીમાં મોકલાયાં છે. વેબસાઇટના માધ્યમથી દેશભરમાં આ ઉત્પાદનો બેફામપણે વેચાઇ રહ્યાં છે. એફડીએના કમિશનર ડૉ. પલ્લવી દરાડેએ કહ્યું હતું કે ઉત્પાદકો વિરુદ્ધ નિયમભંગનો કેસ ચાલશે. કોસ્મેટિક્સનાં ઉત્પાદન અને વેચાણ માટે લાઇસન્સ ફરજિયાત છે. કેમ કે આવાં ઉત્પાદનો લોકોનાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલાં હોવાથી સલામતીના માપદંડ પ્રમાણે ઉત્પાદન થવું જોઇએ.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer