ડિસેમ્બરમાં નવી સરકાર સત્તારૂઢ થવાનો શિવસેનાનો દાવો

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 19 : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાંના 26 દિવસ પછી પણ નવી સરકારની સ્થાપના અંગે હજી સુધી સંભ્રમ જેવી સ્થિતિ છે. કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેનાના કાર્યકરોમાં અનિશ્ચિતતા જેવી સ્થિતિ પ્રવર્તે છે. જોકે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં સૂત્રોએ દાવો ર્ક્યો છે કે મહારાષ્ટ્રમાં આવતા સપ્તાહમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સમાન લઘુતમ કાર્યક્રમ અર્થાત કોમન મિનિમમ પ્રોગ્રામ વિશે લગભગ સંમતિ સધાઈ ગઈ છે. મુખ્ય પ્રધાન શિવસેનાનો થશે. વિધાનસભાનું સ્પીકરપદ કૉંગ્રેસના અનુભવી વિધાનસભ્યને અપાશે. જોકે, પ્રધાનોનાં નામ અને ખાતાંની વહેંચણી અંગે શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસ વચ્ચે હજી વાતચીત થઈ નથી.
સૂત્રોએ માહિતી આપી હતી કે મુખ્ય પ્રધાનપદ શિવસેના પાસે રહેશે આમ છતાં ગૃહ, નગરવિકાસ અને નાણાં જેવાં મહત્ત્વનાં ખાતાંની વહેંચણી વિશે હજી સહમતી સધાઈ શકી નથી. શિવસેનાનાં સૂત્રોના કહેવા અનુસાર બે નાયબ મુખ્ય પ્રધાનપદ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસને વારાફરતી અપાશે.
મહારાષ્ટ્રમાં નવી સરકાર અંગેની રાજરમતમાં હજી સુધી સ્થિતિ પૂર્ણપણે સ્પષ્ટ થઈ શકી નથી. કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર વચ્ચે સોમવારે યોજાયેલી બેઠક પછી મહારાષ્ટ્રમાં સરકારની રચનાની સ્થિતિ સ્પષ્ટ થશે એવી શક્યતા હતી. જોકે, તે બહુપ્રતિક્ષિત મુલાકાત પછી શરદ પવારે પત્રકારોને જણાવ્યું હતું કે મેં સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં પ્રવર્તતી રાજકીય પરિસ્થિતિથી વાકેફ ર્ક્યા છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના વિશે વાતચીત થઈ નથી એમ પવારે ઉમેર્યું હતું. જોકે, શિવસેનાનાં સૂત્રોએ દાવો ર્ક્યો હતો કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં નવી સરકાર સત્તા સંભાળી લેશે.
કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના કેટલાક વિધાનસભ્યોએ આજે પક્ષના મોવડીઓને મળીને રજૂઆત કરી છે કે રાજ્યમાં નવી સરકારની સ્થાપના વિશે તે જલદી નિર્ણય લે. જ્યારે બીજી તરફ કેટલાક અગ્રણી મુસ્લિમ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને ચેતવણી ઉચ્ચારી છે કે શિવસેનાના સહકારથી મહારાષ્ટ્રમાં સરકાર રચવાની હિલચાલ વિશે તેઓ ફેરવિચાર કરે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer