કટ્ટરવાદના મુદ્દે મમતા બેનરજી અને ઓવૈસી આમનેસામને

કટ્ટરવાદના મુદ્દે મમતા બેનરજી અને ઓવૈસી આમનેસામને
મમતાએ કહ્યું, બંગાળની લઘુમતી કટ્ટરવાદીઓથી સાવચેત રહે: ઓવૈસીએ કહ્યું, દીદી હતાશ
કોલકાતા, તા.19: પશ્ચિમબંગાળનાં રાજકારણમાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઈએમઆઈએમના પગપેસારાને મદ્દે નજર મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઓવૈસીનું નામ લીધા વિના જ એક જનસભામાં સણસણતો પ્રહાર કર્યો હતો. મમતાએ લઘુમતી કટ્ટરવાદ મુદ્દે હુમલો બોલાવ્યો હતો. જેની સામે ઓવૈસીએ પણ બંગાળમાં હવે પોતાનો પક્ષ મજબૂત બની રહ્યાનું કહીને મમતા હતાશ થઈ ગયા હોવાનો કટાક્ષ કર્યો હતો.
 મમતા બેનરજીએ પોતાનાં ભાષણમાં આરોપ લગાવ્યો હતો કે ઓવૈસીનો પક્ષ ભાજપ પાસેથી નાણાં લઈને કામ કરે છે. આ પણ હિન્દુ કટ્ટરપંથીઓની જેમ મુસ્લિમ અંતિમવાદીઓ જ છે. જેનું કેન્દ્ર હૈદરાબાદ છે અને તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. 
મમતા બેનરજીનાં આ આક્ષેપનો જવાબ આપતા ઓવૈસીએ કહ્યું હતું કે, કોઈ ધાર્મિક અતિવાદીઓ એવું નથી કહેતાં કે બંગાળના મુસ્લિમો માનવ વિકાસ સૂચકઆંકમાં અન્ય લઘુમતીની તુલનામાં સૌથી ખરાબ હાલતમાં છે. જો દીદી હૈદરાબાદવાળાથી આટલાં જ ચિંતિત હોય તો તેમણે એ પણ જણાવવું જોઈએ કે, બંગાળમાં 42માંથી 18 બેઠકો ઉપર ભાજપ જીતી કેવી રીતે જાય? મમતા બેનરજી આવા આક્ષેપો કરીને મુસ્લિમોને સંદેશ આપી રહ્યા છે કે અમારો પક્ષ હવે બંગાળમાં મજબૂત તાકાત બની રહ્યો છે. 
આ પહેલા મમતાએ કહેલું કે, લઘુમતી વચ્ચે હવે કટ્ટરવાદી આવી રહ્યા છે. જેવી રીતે હિન્દુઓમાં પણ ચરમપંથીઓ ઘૂસી ગયા છે. આ એવો પક્ષ છે જે ભાજપ પાસે નાણા લે છે અને તે પશ્ચિમબંગાળ નહીં પણ હૈદરાબાદના છે. મમતાએ આવું કૂચબિહારની એક સભામાં કહ્યું હતું.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer