આણંદમાં બ્રેન ડેડ માતાનાં અંગો આપી પરિવારે પાંચ લોકોને નવજીવન બક્ષ્યું

આણંદમાં બ્રેન ડેડ માતાનાં અંગો આપી પરિવારે પાંચ લોકોને નવજીવન બક્ષ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.19 : મૃત્યુ પછી અંગદાનથી એક કરતાં વધુ લોકોનું જીવન બચાવી શકાય છે. લોકોને અંગદાન વિશે જાગૃત કરવા માટે દેશની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવે છે. અંગદાન કરીને વ્યક્તિ મૃત્યુ બાદ પણ અન્ય લોકોમાં જીવતો રહે છે. આવો જ એક કિસ્સો આણંદમાં પણ બન્યો છે. પુત્રોએ 75 વર્ષીય માતાના અંગદાનનાં નિર્ણયથી આજે પાંચ વક્તિઓને નવજીવન મળ્યું છે. 
આણંદમાં આવેલા એક મોગર ગામમાં પ્રજાપતિ પરિવારનાં 75 વર્ષીય શારદાબેન મણીલાલ દલવાડી 16 નવેમ્બરના રોજ બાથરૂમમાં પડી જતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડાયાં હતાં. હૉસ્પિટલનાં ડોક્ટરોએ તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતાં અને તેમનાં પુત્રોને શારદાબેનનાં અંગોથી 5 લોકોનાં જીવ બચી શકે છે તેમ સમજાવતાં બન્ને પુત્રો માતાનાં અંગદાન માટે તૈયાર થઈ ગયાં હતાં. પરિવારની સહમતીથી વૃદ્ધાને નડિયાદની કિડની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. શારદાબેનનું ઓપરેશન કરી ડોક્ટરે બે કિડની, લિવર તેમ જ તેમની આંખોનું દાન કર્યું હતું. ડૉક્ટરે કિડની નડિયાદ, લિવર અમદાવાદ અને બે આંખોને મોગરની હૉસ્પિટલમાં દાન કરી હતી. આ અંગદાનથી કુલ પાંચ લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે. 
પરિવારને ખુશી છે કે તેમની માતાનાં અંગોના કારણે આજે પાંચ લોકોને નવજીવન મળ્યું છે. સાથે જ બંન્ને ભાઇઓએ ભવિષ્યમાં સમાજનાં અન્ય લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા અને પોતે  પણ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે. 
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer