પીએમસી સ્કૅમ હાઈ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી અને બહાર ડિપૉઝિટરોએ ગોકીરો મચાવ્યો

પીએમસી સ્કૅમ હાઈ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી અને બહાર ડિપૉઝિટરોએ ગોકીરો મચાવ્યો
મુંબઈ, તા. 19 : પંજાબ અને મહારાષ્ટ્ર કો-અૉપરેટિવ (પીએમસી) બૅન્ક કૌભાંડના સંદર્ભમાં આજે મુંબઈ હાઈ કોર્ટમાં સુનાવણી થઈ. ખાતાધારકો અને ડિપૉઝિટરોની સુવિધા માટે બનાવવામાં આવેલ ઉપાય યોજના સંબંધી રિઝર્વ બૅન્કે હાઈકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો. તેમ જ રિઝર્વ બૅન્કના નિવૃત્ત અધિકારીની બૅન્કના પ્રશાસક તરીકે નિયુક્તિ કરવામાં આવી હોવાની માહિતી હાઈ કોર્ટમાં આપવામાં આવી. મેડિકલ ઇમરજન્સી કે અન્ય કોઈ તાકીદના સમયમાં એક લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડવા પ્રશાસકનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રકરણે આગળની સુનાવણી 4 ડિસેમ્બરે થશે. 
આરબીઆઈના કાઉન્સેલે બેન્ચને કહ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં ડિપૉઝિટરો પ્રશાસકનો સંપર્ક કરીને એક લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશે. ઉપાડ પર મર્યાદા રાખવી એ ખાતાધારકો અને બૅન્ક બન્ને માટે ફાયદાકારક છે, તેવું એફિડેવિટમાં કહ્યું હતું. 
પીએમસી બૅન્ક પ્રકરણે આજે (મંગળવારે) સુનાવણી હતી એટલે ખાતાધારકો હાઈ કોર્ટની બહાર ભેગા થયા હતા. હાઈ કોર્ટે સુનાવણીની તારીખ આગળ વધારતા રોષે ભરાયેલા ખાતાધારકો અને ડિપૉઝિટરોએ ઘોષણાબાજી કરી હતી અને ધાંધલ મચાવી હતી. મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હોવા છતાં ખાતાધારકોએ આરબીઆઈ વિરુદ્ધ દેખાવ કર્યા હતાં. હવે આ સુનાવણી 4 ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે. આગળની સુનાવણીમા શું થશે તેના પર હવે ખાતાધારકોની નજર છે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer