ઉદ્ધવ ઠાકરેએ બોલાવી વિધાનસભ્યોની બેઠક

ઉદ્ધવ ઠાકરેએ બોલાવી વિધાનસભ્યોની બેઠક
શુક્રવારે બાર વાગે થશે આ મિટિંગ, તમામને પાંચ દિવસનાં કપડાં, આધાર-પેન કાર્ડ સાથે રાખવાની સૂચના અપાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.19 : શિવસેનાએ બાવીસ નવેમ્બર, શુક્રવારે બાર વાગે તેના સિનિયર નેતાઓ અને વિધાનસભ્યોની બેઠક બોલાવી છે. 
શિવસેનાના આ નેતાના જણાવ્યાં પ્રમાણે આ બેઠકમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપ સિવાયની ત્રણ મુખ્ય પાર્ટી શિવસેના અને કૉંગ્રેસ-એનસીપી સાથે સરકાર રચવાના પ્રયાસો સંદર્ભે થયેલી વાટાઘાટોની ચર્ચા કરશે અને ભવિષ્યમાં શું કરવું એ પણ વિચારાશે.
શિવસેનાના વિધાનસભ્યોને પાંચ દિવસનાં કપડાં સાથે રાખવાનું તથા પેન કાર્ડ અને આધાર કાર્ડ પણ સાથે રાખવાની સૂચના અપાઈ છે. આને લીધે શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની સરકાર સ્થાપનાના સંકેત મળતા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યપાલ સમક્ષ ઓળખ પરેડની નોબત આવે તો આધાર કાર્ડ અને પેન કાર્ડ કામમાં આવી શકે છે. બે-ચાર દિવસમાં સરકાર આકાર લે એવી શક્યતા છે. શિવસેનાના વિધાનસભ્યોને અજ્ઞાત સ્થળે રાખવામાં આવે એવી શક્યતા છે.
સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે પવારની ગુગલી બાદ રાજ્યમાં સરકાર રચવામાં વિલંબ થશે એ સ્પષ્ટ થતાં શિવસેનાના વિધાનસભ્યોની અકળામણ વધી છે અને નેતાઓની સાથે શિવસૈનિકોમાં પણ ભ્રમની સ્થિતિ છે. 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠાકરે આ બધી બાબતો અંગે શિવસેનાનાં સિનિયર નેતાઓ અને વિધાનસભ્યો સાથે ચર્ચા-વિચારણા કરશે અને ભવિષ્યમાં કેવી રીતે આગળ વધવું એની વિચારણા થશે. શુક્રવારે બપોરે બાર વાગ્યે આ બેઠક થશે. 
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer