શૅરનું માર્કેટ કેપ વધીને રૂા. 9.50 લાખ કરોડ
મુંબઈ, તા. 19 : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો શૅર મંગળવારે ચાર ટકા વધી રૂા. 1514 થતાં તેની માર્કેટ કેપ રૂા. 9.5 લાખ કરોડને આંબી ગઈ છે. આ ટોચે પહોંચનાર આ પ્રથમ ભારતીય કંપની છે. બંધમાં રિલાયન્સનો શૅર 3.5 ટકા વધી રૂા. 1509 રહ્યો હતો અને માર્કેટ કેપ રૂા. 9.580 લાખ કરોડ થઈ હતી. આની સરખામણીએ સેન્સેક્ષ આજે 0.45 ટકા વધ્યો હતો. વર્ષ દરમિયાન રિલાયન્સનો શૅર 34 ટકા વધ્યો છે.
ગત મહિને મુકેશ ધીરુભાઈ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ રૂા. 9 લાખ કરોડની માર્કેટ કેપ નોંધાવી હતી. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય કંપની હતી.
રિલાયન્સે ગત મહિને જાહેરાત કરી હતી કે તે તમામ તેના ડિજિટલ ઈનિશિએટિવ્સ અને ઍપને સિંગલ એન્ટીટી હેઠળ લાવવા નવી સબસિડિયરી ઊભી કરશે અને આ નવા યુનિટમાં રૂા. 1.08 લાખ કરોડનું મૂડીરોકાણ કરશે.
નવા સ્ટ્રકચરથી ભારતમાં સૌથી મોટી ડિજિટલ સર્વિસીસ પ્લૅટફૉર્મ કંપની ઊભી થશે.
નવી એન્ટીટી પ્રારંભમાં હેલ્થકેર અને શિક્ષણ જેવાં ક્ષેત્રે ટેક્નૉલૉજી પર કામ કરશે. પાછળથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેઈન, વર્ચ્યુઅલ અને અૉટોમેન્ટેડ રિયાલિટી જેવી નવી પેઢીની ટેક્નૉલૉજીમાં આગળ વધશે.
રિલાયન્સની તમામ ડિજિટલ ઈનિશિએટિવ્સને સાંકળી નવી સબસિડિયરી તૈયાર કરવાની હિલચાલથી ડિજિટલ પ્લૅટફૉર્મનું આકર્ષણ સંભવિત રોકાણકારોમાં વધી શકશે.
મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું હતું કે ટેલિકૉમ/ડિજિટલ બિઝનેસના રિસ્ટ્રકચરિંગથી રિલાયન્સ અસ્કયામતોનાં વેચાણ દ્વારા રોકડ મેળવવા અને દેવું ઘટાડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તા. 30 સપ્ટેમ્બર, 2019ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિ.નો ચોખ્ખો નફો 18.3 ટકા વધી રૂા. 11,262 કરોડ થયો હતો. રિલાયન્સની અૉઈલથી ટેલિકૉમ ઉપરાંત રિટેલ અને ડિજિટલ સર્વિસીસ બિઝનેસ જેવાં ક્ષેત્રોની કામગીરી પ્રોત્સાહક રહી હતી. બૅન્ક અૉફ અમેરિકા મેરિલ લિન્ચે જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં 200 અબજ ડૉલરનું માર્કેટ કૅપિટલાઈઝેશન હાંસલ કરનાર આ પ્રથમ ભારતીય કંપની બનશે એવી શક્યતા છે.
Published on: Wed, 20 Nov 2019
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફરીથી નંબર વન
