સોનિયા ગાંધીએ અહમદ પટેલ, એન્ટની અને ખડગે સાથે કરી મસલત

સોનિયા ગાંધીએ અહમદ પટેલ, એન્ટની અને ખડગે સાથે કરી મસલત
એક-બે દિવસમાં યોજાનારી બેઠકમાં આખરી નિર્ણય લેવાઈ જવાની વકી
નવી દિલ્હી, તા. 19 : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક ગતિરોધ વચ્ચે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસે કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષાએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. પવારે મુલાકાત બાદ કહ્યું હતું કે, કોંગ્રેસ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની જયંતીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી સરકાર બનાવવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. સુત્રોના કહેવા પ્રમાણે આગામી બે એક દિવસમાં કોંગ્રેસ અને એનસીપી નેતાઓ વચ્ચે બેઠક થશે. બેડકમાં નક્કી કરેલા મુસદ્દા ઉપર બન્ને પક્ષના આગેવાનો નિર્ણય કરશે.
સોનિયા ગાંધીના આવાસે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની 
બેઠક મળી હતી. જેમાં મહારાષ્ટ્રના રાજનીતિક ઘટનાક્રમની આગળની રણનીતિ ઉપર ચર્ચા માટે અહમદ પટેલ, એકે એન્ટની અને મલ્લિકાર્જુન ખડગે સાથે કોંગ્રેસ અધ્યક્ષાએ મુલાકાત કરી હતી. 
આ અગાઉ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ એનસીપી સુપ્રીમો શરદ પવારે આપેલા નિવેદને શિવસેનાની ચિંતામાં વધારો કર્યો છે. પવારે કહ્યું હતું કે, સોનિયા ગાંધી સાથે શિવસેના અંગે કે સરકાર બનાવવા અંગે કોઈ ચર્ચા કરી નથી. આ દરમિયાન શિવસેનાના નેતાઓમાં પણ ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે. 
એક અહેવાલ મુજબ શિવસેનામાં પડદા પાછળથી એનસીપી સાથે વાતચીત છોડીને ભાજપ સાથે ફરી સરકાર બનાવવામાં આવે તેવી પણ વાતો થઈ રહી છે. એક અખબારી અહેવાલ મુજબ શિવસેનાના વિધાયકે કહ્યું હતું કે, શિવસેનાએ એનસીપી સાથે જતા પહેલા 10 વખત વિચાર કરવો જોઈએ. વધુ એક પદાધિકારીએ કહ્યું હતું કે, આ કેવી રાજનીતિ છે? શિવસેના એવો પક્ષ છે જે 80 ટકા સમાજ સેવા અને20 ટકા રાજનીતિ કરે છે. પક્ષ માટે એનસીપી કોંગ્રેસને છોડીને ભાજપ સાથે હાથ મિલાવી લેવો જ યોગ્ય છે.
Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer