સટ્ટાબજારમાં શિવસેના ફેવરીટ : ભાજપના ભાવ ગગડયા

મુંબઈ, તા. 20 : છેલ્લા ચાર અઠવાડિયાથી મહારાષ્ટ્રની રાજકીય અસ્થિરતા યથાવત હોવાથી રાજ્યમાં કોણ સત્તા પર આવશે અને ક્યારે સરકાર બનાવશે એ અંગે અનેક અટકળો ચાલી રહી છે. જોકે સટ્ટાબજાર શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસની મહાશિવઆઘાડી અસ્તિત્વમાં આવશે એવું માની રહ્યું છે. સટ્ટાબજારમાં મંગળવારે મહાશિવ આઘાડી માટે એક રૂપિયાના 70 પૈસા તો ભાજપ સરકાર માટે એક રૂપિયાના સાડાપાંચ રૂપિયાનો ભાવ બોલાયો હતો.
ગયા મહિને રિઝલ્ટ આવ્યું ત્યારથી સટ્ટાબજારમાં ભાજપ સરકાર પાછી સત્તા હાંસલ કરશે એ અંગેના બુકીનો વિશ્વાસ દિવસે દિવસે ઘટતો ગયો છે. હવે નવી સરકારની સ્થાપના નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં થાય એવો અંદાજ લગાડાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિને કારણે સટ્ટા બજારમાં પણ તેજી આવી છે. રિઝલ્ટ આવ્યા બાદ પહેલા અઠવાડિયાને બાદ કરતા બુકીઓએ ભાજપ સરકારને બદલે મહાશિવઆઘાડી પર પસંદગી ઉતારી છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તા માટેના નાટક પર પૂરા દેશની નજર છે. એટલે એના પર મુંબઈ સહિત અમદાવાદ, સુરત, બેંગલુરુ અને દિલ્હીમાં પણ સટ્ટો રમાઈ રહ્યો હોવાનું સૂત્રએ જણાવ્યું હતું.
આવનારા સમયમાં વાયરો કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે એ મુજબ ભાવમાં વધારો - ઘટાડો થતો રહે છે. પરંતુ હાલ તુરત તો મહાશિવઆઘાડીનો ઘોડો આગળ હોવાનું જણાઈ રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ 24 અૉક્ટોબરે જાહેર થયા બાદ પહેલા 2-3 દિવસ મહાયુતિની સરકાર રચાશે એવી શક્યતા હોવાને કારણે ભાવ એક રૂપિયા સામે 40 પૈસાનો હતો. તો કૉંગ્રેસ આઘાડીનો એક રૂપિયા સામે 9 રૂપિયા ભાવ બુકીઓએ ખોલ્યો હતો, પરંતુ શિવસેનાએ મુખ્ય પ્રધાનપદના દાવા માટે આક્રમક વલણ અપનાવ્યા બાદ એના ભાવ ઘટતા ગયા. જ્યારે ભાજપ સરકાર માટેના ભાવ ઊંચકાયા હતા.

Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer