સરકાર બનાવવા સોનિયા લીલી ઝંડી આપશે?

સરકાર બનાવવા સોનિયા લીલી ઝંડી આપશે?
નવી દિલ્હી, તા. 20 : મહારાષ્ટ્રમાં શિવસેના નેતૃત્વ હેઠળની સરકારને ટેકો આપવા અંગે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મવાળ ભૂમિકા લઈ હોઈ પોતાના પક્ષના નેતાઓને ફોર્મ્યુલા બાબત રાષ્ટ્રવાદીના નેતાઓથી ચર્ચા કરવા જણાવ્યું છે. આ ચર્ચા આજે થવાની હોઈ હવે જલદી રાજ્યમાં સરકાર સ્થાપન થવાની શક્યતા છે. બંને કૉંગ્રેસની આજની બેઠક પછી શિવસેનાના નેતાઓથી ચર્ચા થશે. તેમાં ફોર્મ્યુલા નક્કી થયા પર સરકાર સ્થાપન વિશે અધિકૃત ઘોષણા કરવામાં આવશે. જાણવા મળતી માહિતી મુજબ શિવસેનાના નેતૃત્વ હેઠળની સરકાર માટે સોનિયા ગાંધીએ લીલી ઝંડી આપી દીધી છે. દરમિયાન, શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે ગુરુવાર સુધી બધી અડચણો દૂર થઈ જશે અને કાલ સુધી સ્થિતિ સ્પષ્ટ થશે.
મહારાષ્ટ્રમાં વગર ભાજપ સરકાર સ્થાપવાની દૃષ્ટિએ લઘુત્તમ સમાન કાર્યક્રમ કરવા માટે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ પોતપોતાના દશ નેતાઓની એક સમન્વય સમિતિ પણ નીમી છે. આ સમિતિ શિવસેના સાથે રવિવારથી ચર્ચાનો પ્રારંભ કરશે. શિવસેના સાથે ગઠબંધન પર નિર્ણયને લઈ જે રીતે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાવચેતીથી પગલાં ભરી રહી છે તેને લઈ રાજ્યમાં જલદી સરકાર બનવાના એંધાણ જણાતા નથી. હવે સૌની નજર આજે નવી દિલ્હીમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના નેતાઓ વચ્ચે થનારી બેઠક પર છે.
આ બેઠકને લઈ શિવસેનાની આશાનો અંદાજ એના પરથી બાંધી શકાય છે કે તેના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં નવી સરકાર ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં બનવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે પક્ષના ચીફ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે પોતાના વિધાનસભ્યોને મળીને તેઓને સરકાર બનવામાં થઈ રહેલા વિલંબ અંગે માહિતી આપશે. આ બેઠકમાં પક્ષની આગળની રણનીતિ પર પણ ચર્ચા થશે. જ્યારે કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીની બેઠકમાં નેતાઓ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરશે. દા.ત. એ ત્રણે પક્ષો મળીને સરકાર બનાવે છે તો આ ગઠબંધનનું નામ શું હશે? જો ત્રણે પક્ષો સાથે આવે છે તો આવનારી પાલિકા ચૂંટણીમાં બંને પક્ષોનું વલણ શું હશે? કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીના નેતા મહાશિવ આઘાડી (શિવસેનાની સાથે મહાગઠબંધન) નામને લઈ અનુકૂળ નથી. આજે મળનારી બેઠકમાં કૉંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ, કે. સી. વેણુગોપાલ, પૃથ્વીરાજ ચવાણ, અશોક ચવાણ અને પ્રદેશાધ્યક્ષ બાબાસાહેબ થોરાત સામેલ થઈ શકે છે, જ્યારે રાષ્ટ્રવાદી વતી પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, અજીત પવાર, છગન ભુજબળ અને જયંત પાટીલ ભાગ લે એવી સંભાવના છે.

Published on: Wed, 20 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer