કેન્દ્રિય ભંડોળના રૂા. 400 અબજ રક્ષવા અને કેન્દ્રને પરત કરવા ફડણવીસના શપથનો `ડ્રામા''!

કર્ણાટકના ભાજપના સાંસદ અનંત હેગડેનો ચોંકાવનારો દાવો 
દેવેન્દ્રે અનંતકુમારના દાવાને આપ્યો રદિયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2: શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસની સરકાર દ્વારા કેન્દ્રના 40,000 કરોડ રૂપિયાના ભંડોળનો દુરુપયોગ રોકવા ગત મહિને ત્રણ દિવસ માટે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન થયા હતા એવા ભાજપના સાંસદ અને કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અનંતકુમાર હેગડેના દાવાથી રાજકીય તોફાન સર્જાયું છે અને ભાજપ મૂંઝવણમાં મુકાયો છે.
શિવસેના અને રાષ્ટ્રવાદીએ હેગડેના નિવેદનને મુદ્દો બનાવીને ભાજપની અને ફડણવીસની ટીકા કરી છે. જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હેગડેના દાવાનો સ્પષ્ટ શબ્દોમાં રદિયો આપ્યો છે.
વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા અનંતકુમાર હેગડેએ કર્ણાટકમાં ઉત્તરકનાડા જિલ્લામાં યેલ્લાપુર પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન ગત શનિવારે મહારાષ્ટ્રમાં ગત મહિને બનેલા રાજકીય નાટકને જાણે નવો વળાંક આપવાનો પ્રયત્ન કર્યો હતો. હેગડેએ પ્રચારસભામાં જણાવ્યું હતું કે તમે બધા જાણો છો કે મહારાષ્ટ્રમાં તાજેતરમાં માત્ર 80 કલાક માટે અમારા મુખ્ય પ્રધાન સત્તા ઉપર હતા. અમે તે નાટક શા માટે કર્યું? અમારી પાસે બહુમતી નહીં હોવા છતાં ફડણવીસ શા માટે મુખ્ય પ્રધાન બન્યા? આ પ્રશ્ન બધા પૂછી રહ્યા છે. મુખ્ય પ્રધાનના અંકુશ હેઠળ 40,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ હતી. જો શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસની સરકાર સત્તા ઉપર આવે તો પછી તે રકમ વિકાસનાં કામને બદલે બીજાં કામ પાછળ વપરાઈ જાત. (અર્થાત્ દુરુપયોગ થાત) તેથી તે નાણાં ભંડોળનો દુરુપયોગ નિવારવા માટે ફડણવીસને 80 કલાક માટે મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તે રકમ કેન્દ્ર સરકારને પરત કરાઈ હતી એમ હેગડેએ ઉમેર્યું હતું.
હેગડેના દાવાને ભારપૂર્વક રદિયો આપતાં ફડણવીસે જણાવ્યું હતું કે તેઓ કહે છે એવું કશું જ થયું નથી, હેગડેનો દાવો સદંતર ખોટો છે. મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રકલ્પમાં મહારાષ્ટ્ર સરકારની ભૂમિકા જમીન સંપાદન કરવા પૂરતી મર્યાદિત છે. કેન્દ્ર સરકારની કંપની બુલેટ ટ્રેનનો પ્રકલ્પ અમલમાં મૂકી રહી છે. પ્રકલ્પનાં નાણાં પણ તે કંપની પાસે આવવાનાં છે. કેન્દ્ર સરકારે નાણાં માગ્યા નહોતા અને મહારાષ્ટ્ર સરકારે નાણાં પરત કર્યાં નહોતાં. મહારાષ્ટ્ર સરકારે અન્ય કોઈ પણ પ્રકલ્પ હેઠળ એક રૂપિયો પણ કેન્દ્ર સરકારને પરત કર્યો નથી. ગત નવેમ્બરમાં મુખ્ય પ્રધાન અથવા કાર્યવાહક મુખ્ય પ્રધાનના રૂપમાં કોઈ નીતિ વિષયક નિર્ણય લીધો નથી. જેઓ કેન્દ્ર અને રાજ્યોના હિસાબની પદ્ધતિ સમજે છે તેઓ જાણે છે કે આ પ્રકારે નાણાંનું હસ્તાંતરણ થયું નથી. મહારાષ્ટ્રના નાણાંખાતાંએ આવશ્યક તપાસ કરીને સત્યને બહાર લાવવું જોઇએ. હેગડેએ આ મતલબનું નિવેદન કર્યું છે કે કેમ તેની મને ખબર નથી. આ બાબત મારી સમક્ષ
પ્રસાર માધ્યોના અહેવાલ દ્વારા આવી છે. આ પ્રકારનું ખોટું નિવેદન આપવું અને પછી અમારી પ્રતિક્રિયા માગવાની બાબત અયોગ્ય છે, એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer