અજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ

અજય દેવગણની તાન્હાજી મરાઠીમાં – પણ
અજય દેવગણની આગામી ફિલ્મ `તાન્હાજી : ધ અનસંગ હીરો' મરાઠા યોદ્ધા તાન્હાજી માલુસારેના જીવન પર આધારિત છે. ઓમ રાઉત દિગ્દર્શિત આ ફિલ્મનો નાયક તાન્હાજી 17મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજ સાથે કેટલાય યુદ્ધ લડયો હતો. આ યોદ્ધાના જીવન પરની ફિલ્મ દરેક મરાઠા ઘરમાં પહોંચે તે માટે મરાઠી ભાષામાં પણ રજૂ કરવાનો વિચાર અજયને આવ્યો હતો અને હવે તેને અમલમાં મૂકવામાં આવ્યો છે. ઓમે કહ્યું હતું કે, હું  આ ફિલ્મનો હિન્દી ફિલ્મ તરીકે પ્રચાર કરતો હતો કેમ કે મારે તેને વૈશ્વિક સ્તરે લઇ જવી છે, પરંતુ અજયને વિચાર આવ્યો હતો કે તેને મરાઠીમાં રજૂ કરવી જોઇએ જેથી મહારાષ્ટ્રના દરેક ખૂણામાં તે પહોંચે. નોંધનીય છે કે ફિલ્મમાં મરાઠી ફિલ્મોદ્યોગના જાણીતા ચહેરા છે. અભિનેતા શરદ કેળકર છત્રપતિ શિવાજી મહારાજ, દેવદત્ત નાગે સૂર્યાજી માલુસારે અને શશાંક શિંદે શેલારમામાની ભૂમિકા ભજવે છે. 
અજય માને છે કે બે ભાષામાં ફિલ્મ રજૂ કરવાથી પ્રેક્ષકોની સંખ્યા પણ વધશે. ભૂષણકમાર સાથે ફિલ્મનું નિર્માણ કરનારા અજયે જણાવ્યું હતું કે, બહાદુર યોદ્ધાના જીવન પર બનેલી ફિલ્મને તેમની માતૃભાષામાં રજૂ કરવાની તક મને સાંપડી છે. હું ઇચ્છું કે અમારી આ યાત્રામાં દેશના અન્ય રાજયોની જેમ મહારાષ્ટ્ર પણ સહભાગી થાય. 
અજયની કારકિર્દીની આ એકસોમી ફિલ્મ છે અને તેમાં તેની રિયલ લાઇફ પત્ની કાજોલ રિલ લાઇફ પત્ની સાવિત્રિબાઇની ભૂમિકા ભજવે છે.  કાજોલની પરનાની રત્નાબાઇ શિલોત્રી અને નાની શોભના સમર્થ બંને અભિનેત્રીઓ હતી અને કાજોલ તેમના સાંનિધ્યમાં ઉછરી છે. આથી મરાઠી સંસ્કૃતિથી તે સારી રીતે અવગત છે. કાજોલે કહ્યું કે, મને લાગે છે કે મેં મારી મમ્મીના કપડાં પહેર્યાં છે અને તેની ભૂમિકા ભજવી છે. 
તાનાજી માલુસારેના જીવન પરની આ ફિલ્મની બીજી એક ખાસિયત એ છે કે તે થ્રીડીમાં રજૂ થવાની છે. મરાઠી ભાષામાં ફિલ્મ બનાવતી વખતે તે ભાષાની મીઠાશ અને ગરિમા જળવાઇ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું ઓમે ઉમેર્યું હતું.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer