અનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી!

અનિલ કપૂર અને યોહાન બ્લેકની જોડી જામે ખરી!
જમૈકાનો રમતવીર યોહાન બ્લેક હાલમાં મુંબઈ આવ્યો છે અને તેણે બૉલીવૂડના અભિનેતા અનિલ કપૂરની મુલાકાત લીદી હતી. 2012ની લંડન અૉલિમ્પિકસમાં 100મીટર અને 200 મીટરની દોડમાં સિલ્વર મેડલ મેળવનારા યોહાન સાથ અનિલે ખાનપાન, ફિટનેસ અને સ્પોર્ટ્સની વાતો કરી હતી. જેવીપીડી ગ્રાઉન્ડમાં બંનેએ થોડી કસરત પણ કરી હતી. યોહાને અનિલને રશિયન વાર્મ-અપ ટેક્નિક શીખવી હતી જે દોડવાનું શરૂ કરતા પહેલાં કરવાની હોય. અનિલે કહ્યું હતું કે, મને નીચોવી નાખ્યો છતાં તેની સાથે દોડવાની મજા આવી હતી. યોહાન ચોવીસે કલાક ફિટનેસના જ વિચારો કરતો હોય છે. તેણે મને વર્કઆઉટમાં સુધારો કરવાની ટિપ્સ આપી હતી. ઉપરાંત તેના જીવન વિશે પણ વાત કરી હતી. 
અનિલ અને યોહાનની વાતમાં ફિલ્મોનો ઉલ્લેખ ઝાઝો નહોતો. પરંતુ બીજા એક જમૈકન દોડવીર ઉસેન બોલ્ટની વાતો વધુ થઇ હતી. અનિલે કહ્યું કે ઉસેન બોલ્ટ વિશ્વનો સૌથી ઝડપી દોડવીર છે અને તેની તોલે કોઇ ન આવી શકે. છતાં ઉસેને યોહાનને `બીસ્ટ'નું બિરુદ આપ્યું છે. મહત્ત્વની વાત એ છે કે અમારા ત્રણેના ડૉકટર એક જ છે. ડૉ. મુલર વોહ્લફાર્ટે જ મારી ઘુંટીની ઇજાની સારવાર કરી હતી અને તેઓ યોહાનના પણ મુખ્ય ડૉકટર છે. 
અનિલ અને યોહાન સવાર નવ વાગ્યે મળ્યા હતા અને ત્રણ કલાક સાથે રહ્યા હતા. વર્કઆઉટ થયા બાદ  અનિલ તેને પોતાના ઘરે નાસ્તો કરવા લઇ ગયો હતો. અનિલે તેના માટે દક્ષિણ આફ્રિકાની કેરી રાખી હતી પરંતુ તેણે માત્ર ઇંડા ને કેળા ખાધા હતા. જ્યારે તેની ગર્લફ્રેન્ડ લૌરાને ઉપમા ભાવ્યો હતો. 
યોહાન સચીન તેંડુલકર, સલમાન ખાન અને જેકલિન ફર્નાન્ડિઝને મળ્યો હતો. અભિનેત્રીએ તેને બૉલીવૂડની ફિલ્મો વિશે જાણકારી આપી હતી. 
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer