સોના-ચાંદીમાં નજીવો ઘટાડો

સોના-ચાંદીમાં નજીવો ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.6 : અમેરિકાથી આવતી કેટલીક ચીજો ઉપરની ટેરિફમાં માફી આપવામાં આવશે એવી ચીનની જાહેરાત પછી સોનામાં તેજી અટકીને નજીવો ઘટાડો થયો હતો. અલબત્ત સોનાનો ભાવ અઠવાડિક ધોરણે સુધારો નોંધાવવામાં સફળ રહ્યો હતો. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 1476 ડૉલરની સપાટીએ હતો. અમેરિકાના રોજગારીના આંકડાઓ જાહેર થાય એ પછી અર્થતંત્રની ગતિ અંગેનો ખ્યાલ વધુ સ્પષ્ટ થશે. આંકડા શુક્રવારે જાહેર થવાના હતા.
ચીનની ટેરિફ માફીથી એવો સંકેત ગયો છે કે વેપાર સંધિ કરવામાં ચીનને પૂરતો રસ છે. અમેરિકા ય આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે તો સોનામાં તેજી આગળ ધપવી મુશ્કેલ છે. ચીન 15 ડિસેમ્બરથી ચીનના માલ ઉપર નવી ટેરિફ લગાવવાનો છે એટલે હવેઅમેરિકા એક્સટેન્સન આપે છે કે કેમ તે જોવાનું છે. વિશ્લેષકો કહે છે, વેપાર સંધિ થાય તે મુદ્દે વારંવાર નિવેદનો બદલાઇ રહ્યા હોવાથી ચાલુ સપ્તાહે તેજી થઇ હતી. જોકે, અંતિમ દિવસોમાં નફારૂપી વેચવાલી પણ આવી છે એટલે સોનામાં હવે ફરીથી સાવચેતી રાખવામાં આવી રહી હોવાનું દેખાય છે.
દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂા.30ના નજીવા ઘટાડે રૂા. 39020 અને મુંબઈમાં રૂા. 6 ઘટી રૂા. 38175 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 16.91 ડૉલરના સ્તરે હતી. સ્થાનિકમાં એક કિલોનો ભાવ રૂા. 44700 જળવાય રહ્યો હતો. મુંબઈમાં રૂા. 135 વધતા રૂા. 44115 હતો.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer