આરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે

આરબીઆઈના સર્વે મુજબ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે
મુંબઈ, તા. 6 (એજન્સીસ) : ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારથી એટલે કે 2014થી ભારતમાં વપરાશકારોનો વિશ્વાસ પહેલીવાર સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના કન્ઝ્યુમર કોન્ફીડન્સ સર્વે પ્રમાણે વર્તમાન સ્થિતિમાં ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટી 85.7 થયો છે જે સપ્ટેમ્બરમાં 89.4 હતો. અત્રે આશાવાદ અને નિરાશા બાદ વચ્ચે તફાવત કરતો ઇન્ડેક્સ 100નો છે. એક વર્ષ પછીની ભાવિની ધારણાનો ઇન્ડેક્સ 118થી ઘટી 114.5 રહ્યો છે. એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રની તીવ્ર મંદી જોડે રોજગારની સ્થિતિ પણ ચિંતાજનક રહી છે. બૅન્કિંગ ક્ષેત્રની સ્થિતિ છેલ્લા એક વર્ષથી કથળતાં ધિરાણ ઓછું થયું છે. આથી સ્થાનિક વપરાશ ઘટયો છે જે રાષ્ટ્રના અર્થતંત્રનો 60 ટકા જેટલો હિસ્સો છે. આથી તા. 30 સપ્ટેમ્બર 2019ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળાનો વિકાસદર છ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. સેન્ટ્રલ બૅન્કના સર્વેમાં 13 મોટાં શહેરો અને 5334 ઘરને આવરી લેવાયાં હતાં.
ચિંતિત થયેલા લોકોએ જણાવ્યું હતું કે ગત વર્ષે ભાવ વધ્યા હતા અને આગામી વર્ષે પણ વધશે. આથી નજદીકના ભવિષ્યમાં ફુગાવાજન્ય દબાણ રહેશે. ગુરુવારે ભારતની સેન્ટ્રલ બૅન્કે રેપોરેટ યથાવત્ રાખ્યા હતા. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસના અધ્યક્ષપદ હેઠળથી 6 જણની મોનેટરી પોલિસી કમિટીએ રાહ જોવાનું નક્કી કર્યું છે. આ વર્ષે અગાઉ કરાયેલા પાંચ દર ઘટાડાની અસર તે જોવા માગે છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer