વિદર્ભ સિંચાઈ કૌભાંડમાં ઍન્ટિકરપ્શન બ્યૂરોએ અજિત પવારને ક્લિન ચિટ આપી

નાગપુર, તા. 6 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર એન્ટિકરપ્શન બ્યૂરો (એસીબી)એ કરોડો રૂપિયાના વિદર્ભ સિંચાઈ કૌભાંડમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ક્લીન ચિટ આપી છે.
રાજ્યમાંની સિંચાઈ યોજનાઓને મંજૂરી આપવામાં અને તેમને કાર્યાન્વિત કરવામાં આચરાયેલી કહેવાતી ગેરરીતિઓના કેસોમાં એસીબીએ પવારની સંડોવણીને નકારી કાઢી છે. મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં સુપરત કરેલી ઍફિડેવિટમાં એસીબીએ પવારની સંડોવણીને નકારી કાઢી છે.
મહારાષ્ટ્રમાં 28 નવેમ્બરે શિવસેના-રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસના જોડાણવાળી નવી સરકારે શપથ લીધા અને એક દિવસ પહેલાં 27 નવેમ્બરે એસીબીએ આ એફિડેવિટ નોંધાવી હતી.
આ કેસોમાં ભૂતપૂર્વ જળસંસાધન વિકાસ ખાતાના પ્રધાન પવારની ભૂમિકા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કોર્ટે એસીબીને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીની સરકાર સત્તા પર હતી એ અરસામાં 1999-2009 દરમિયાન અજિત પવાર જળ સંસાધન વિકાસ પ્રધાન હતા.
પવારે વિદર્ભ સિંચાઈ વિકાસ નિગમ (વીઆઈડીસી)ના ચેરમેનનો હોદ્દો પણ સંભાળ્યો હતો, જેણે સિંચાઈ યોજનાઓ મંજૂર કરી હતી અને જેમાં ગેરરીતિઓના આક્ષેપ થયા હતા.
એસીબીની એફિડેવિટમાં જણાવાયું છે કે `ટેન્ડરનું કામ કરનારી એજન્સીઓ એટલે કે એન્જિનિયરો, ડિવિઝનલ એકાઉન્ટન્ટો અને આ પ્રોજેક્ટોના સંબંધિત કૉન્ટ્રેક્ટરો મારફતે કહેવાતી ગેરરીતિઓ થઈ હતી.
આમ છતાં વિદર્ભ સિંચાઈ વિકાસ કૉર્પોરેશનના ચેરમેન અને જળસંસાધન વિકાસ ખાતાના પ્રધાનને એજન્સીઓનાં કાર્યો માટે જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ કે તેમના ભાગે કોઈ કાનૂની ફરજ આવતી નથી.'
મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં 2012માં નોંધાયેલી બે જાહેર હિતની અરજીઓના પગલે વિદર્ભ સિંચાઈ કૉર્પોરેશનની 45 યોજનાઓનાં કુલ 2654 ટેન્ડરોની એસીબી તપાસ કરી રહ્યું છે.
ગત 25 નવેમ્બરે ભ્રષ્ટાચારવિરોધી ખાતાએ જણાવ્યું હતું કે સિંચાઈ યોજનાઓમાં કહેવાતા ભ્રષ્ટાચારના નવ કેસ તેણે બંધ કરી દીધા છે અને ખુલાસો પણ કર્યો હતો કે આ કોઈપણ કેસ પવાર સાથે સંકળાયેલા નહોતા.
27 નવેમ્બરની એફિડેવિટ અંગે એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કૉર્પોરેશનના કૌભાંડને કોર્ટે અને `સ્ટેપ્સ રિપોર્ટ' આપવા જણાવ્યું હતું.
વીઆઈડીસી કેસોમાં અમે તપાસ બંધ કરી નથી. કેટલાક કેસમાં અમે આરોપનામું નોંધાવ્યું છે તેમજ તપાસ પણ ચાલે છે. એવી જ રીતે આ કેસો સંબંધની એફઆઈઆરની તપાસ પણ ચાલુ છે. વીઆઈડીસીએ બહાર પાડેલાં ટેન્ડરો અંગે ચાલતી તપાસનો સ્ટેટસ રિપોર્ટ પણ અમે સુપરત કર્યો છે' એમ તેમણે જણાવ્યું હતું.
અમે અમારી અગાઉની એફિડેવિટમાં લખ્યું હતું કે આ બાબતમાં અમે સરકારનો અભિપ્રાય માગ્યો છે. હવે અમને સરકારનો અભિપ્રાય મળી ગયો છે કે અજિત પવાર આ કૌભાંડમાં સંડોવાયેલા નથી અને જે અમે થોડા દિવસ પહેલાં કોર્ટને જણાવી દીધું છે.
એસીબીના અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, અમારા કોઈપણ કેસમાં અજિત પવાર આરોપી નહોતા અને વિદર્ભ સિંચાઈ પ્રોજેક્ટના ટેન્ડરના કેસમાં હજી તપાસ ચાલે છે.
કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી સરકારના શાસન દરમિયાન વિવિધ સિંચાઈ યોજનાઓનું ભ્રષ્ટાચાર કૌભાંડ 70,000 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer