ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચર્ચા

આવતા સપ્તાહે પ્રધાનમંડળનું વિસ્તરણ અને ખાતાની વહેંચણી
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર વચ્ચે આજે વરલીસ્થિત નહેરુ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. તેમાં પ્રધાનમંડળના વિસ્તરણ અને ખાતાની વહેંચણીને અંતિમ રૂપ આપવામાં આવ્યું હોવાનું મનાય છે. તેથી આવતા સપ્તાહમાં અને મોટે ભાગે રાજભવન ખાતે વધુ પ્રધાનોની શપથવિધિ થવાની સંભાવના છે.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી વચ્ચે કેટલાક ખાતા અંગે ખેંચતાણ છે. ખાતા વિશેનો વિવાદ હલ કરવા બન્ને પક્ષો વચ્ચે છેલ્લા અઠવાડિયાથી દિલ્હી અને મુંબઈમાં બન્ને પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા ચાલુ રહી હતી. તેના કારણે ખાતાની વહેંચણી અને પ્રધાનમંડળનું વિસ્તરણ અટકી પડયું હતું.
વિધાનગૃહોનું શિયાળુ અધિવેશન 16મી ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થવાનું છે તે પાંચ દિવસ ચાલશે. શિવસેનાએ પોતાના સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી છે. રાષ્ટ્રવાદીમાં અજિત પવારને પ્રધાનમંડળમાં સમાવવા અને તેઓને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવું કે કેમ? એ વિશે મતભેદ છે. તેમણે ભાજપના વડપણ હેઠળની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે અણધાર્યા શપથ લીધા તેનાથી પક્ષપ્રમુખ શરદ પવારને હજી ખિન્ન છે. પક્ષના કેટલાક મહત્ત્વના નેતાઓ અજિત પવારને પ્રધાનપદુ આપવાની તરફેણમાં છે. આમ છતાં શરદ પવાર હવે અજિત પવાર ફરી પલ્ટી મારે નહીં તેની તકેદારી રાખીને જવાબદારી સોંપશે.
બીજી તરફ અજિત પવારને સિંચાઈ અંગેના 17 પ્રકરણોમાં એન્ટીકરપ્શન બ્યૂરોએ ક્લિન ચિટ આપી તે તેમનું જમાપાસું છે.
આ બેઠકમાં રાષ્ટ્રવાદી વતિથી શરદ પવારની સાથે પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ અને અજિત પવાર પણ સામેલ થયા હતા. જ્યારે શિવસેના વતિથી ઉદ્ધવ ઠાકરેની સાથે સુભાષ દેસાઈ અને એકનાથ શિંદે સહભાગી થયા હતા.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer