શેરડીના રસનો એક ગ્લાસ 45 લાખ રૂપિયામાં પડયો!

આરોપીએ બોગસ ઈન્સ્પેક્ટર બનીને હપ્તા વસૂલ કર્યા
મુંબઈ, તા. 6 : ઘાટકોપરના એક જ્યુસ સેન્ટરના માલિકને ગ્રાહકને શેરડીનો રસ પીવડાવવાને બદલે 20 રૂપિયા મળ્યા હતા,  પણ પછી તેને આ જ જ્યુસ માટે 45,00,000 રૂપિયા ચુકવવા પડયા હતા. આરોપીએ બોગસ ઈન્સપેક્ટર બનીને જ્યુસ સેન્ટરના માલિક પાસેથી પૈસા પડાવ્યા હતા. 
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતી મુજબ, ફરિયાદીના મુંબઈમાં જુદી-જુદી જગ્યાએ જ્યુસ સેન્ટર છે. લગભગ એક મહિના પહેલા આરોપી રાહુલ સરાટે ફરિયાદીના ઘાટકોપરમાં આવેલા જ્યુસ સેન્ટરમાં ગયો હતો. ત્યાં તેને શેરડીનો રસ મગાવ્યો અને તેને તે ભાવ્યો નહીં એટલે બન્ને વચ્ચે બોલાચાલી થઈ. પછી સરાટેએ ફરિયાદીને સબક શીખવાડવાનું નક્કી કર્યું. સરાટેએ `જસ્ટ ડાયલ' પરથી જ્યુસ સેન્ટરના માલિકનો નંબર કાઢયો અને બોગસ પોલીસ બનીને તેને ફોન કર્યો. સરાટેએ ફોન પર ફરિયાદીને કહ્યંy કે, નેવીના એક અધિકારીએ તેના વિરુદ્ધ ફરિયાદ કરી છે કે તેમની દીકરી તારા જ્યુસ સેન્ટરનો જ્યુસ પીધા પછી બીમાર પડી છે. એટલે તું અરેસ્ટ થઈશ કે કેસને રફેદફેકરવા માગીશ? ફરિયાદી જવાબ આપે તે દરમિયાન તેને ફોન પર એક મહિલાના રડવાનો આવાજ આવ્યો. ઈન્સપેક્ટરે કહ્યું કે આ બીમાર છોકરીની માતા છે. પછી ફરિયાદીએ તાત્કાલિક ભાઈને મોકલાવીને લાંચના પૈસા ઈન્સપેક્ટરને આપી દીધા. 
સરાટેને થયું કે આ વ્યક્તિને આસાનીથી નિશાન બનાવી શકાય છે. એટલે તેણે જુદી જુદી રીતે ફરિયાદીને ધમકાવીને પૈસા પડાવવાનું ચાલું રાખ્યું. પછી તેનું ઈ-મેલ આઈડી લઈને ઍડિશનલ પોલીસ ઈન્સપેક્ટર, અન્ન અને ઔષધ વિભાગ તેમ જ અન્ય સરકારી વિભાગના આઈડીથી ઈ-મેલ કર્યાં હતા. ગભરાઈ ગયેલા ફરિયાદીએ ધરપકડથી બચવા માટે તેને પૈસા ચૂકવતો રહ્યો. કેટલીક વાર ફરિયાદને કહેવામાં આવ્યું કે તેને ભરેલી રકમની રસીદ આપવામાં આવશે, પણ કોઈ રસીદ ન આવી અને ઈન્સપેક્ટરનો નંબર પણ બંધ આવવા લાગ્યો એટલે ફરિયાદીને શંકા ગઈ પછી તેણે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. દરમિયાન સરાટેએ ફરિયાદી પાસેથી 45,00,000 રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે ક્રાઈમ બ્રાન્ચને કેસ સોપતા સરાટેની ધરપકડ કરવામાં આવી હતી. સરાટે પહેલા દુબઈમાં રહેતો હતો. ત્યાં તેની નોકરી છુટી ગઈ એટલે મુંબઈ પાછો ફર્યો હતો. પૂછપરછમાં તેણે કહ્યું હતું કે, નોકરી ન હોવાથી ગેરકાયદે હપ્તા વસુલીને જ તેણે ધંધો બનાવી દીધો.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer