મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો

શિક્ષક ભારતીએ કહ્યું આ ઠરાવ ફડણવીસ સરકારના સમયનો, મુખ્ય પ્રધાન ઠાકરેને લખ્યો પત્ર
વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકોને પગારની દરખાસ્તનો અભ્યાસ કરાશે
મુંબઈ, તા.6 : મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં બહાર પાડેલા એક ઠરાવથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો વ્યાપ્યો છે. ખાસ કરીને ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ટીચરના પગાર નક્કી કરવા સંબંધી ઠરાવથી શિક્ષકો સમસમી ગયા છે અને શિક્ષકોના સંગઠનોમાં આ ઠરાવનો વિરોધ કરવાની યોજનાઓ થઇ રહી છે. જોકે, મુંબઈ શિક્ષક પરિષદ તરફથી શિવનાથ દરાડેએ કહ્યું હતું કે સરકારે વિદ્યાર્થી દીઠ અનુદાન આપવાની વાત કરી છે તેના કારણે શિક્ષકોના પગાર અડધાથી પણ ઓછા થઇ જશે. શિક્ષક પરિષદ આ અન્યાય સહન નહીં કરે અને તેનો વિરોધ કરશે. 
શિક્ષક ભારતી તરફથી જણાવાયું હતું કે ખરેખર આ ઠરાવ ફડણવીસ સરકારનો છે. દોઢેક વર્ષ અગાઉ શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે બદલાવના નામે 19 સમિતિઓ નિમવાનો આઇડિયા રજૂ કર્યો હતો અને શિક્ષકોના પગાર સહિત આરટીઇ પ્રવેશ પ્રક્રિયા, જૂનિયર કૉલેજ પ્રવેશ પ્રક્રિયા, અનુદાનિત અને બિનઅનુદાનિત સ્કૂલોમાં ફીની આકારણી, ખાનગી સ્કૂલોના કર્મચારીઓ સંબંધી નિયમો સહિતની 19 બાબતોના વિચાર માટે 19 સમિતિઓ નિમવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
પુરોગામી સરકારે લીધેલા નિર્ણય સંબંધે શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં આવી સમિતિઓની નિમણૂકની જાહેરાત કરીને પરિપત્ર બહાર પાડયો તેથી શિક્ષણ ક્ષેત્રે સન્નાટો વ્યાપ્યો છે. શિક્ષક ભારતી તરફથી વિધાન પરિષદના સભ્ય કપિલ પાટીલે જણાવ્યું હતું કે હવે રાજ્યમાં ફડણવીસ સરકારના બદલે મહાવિકાસ આઘાડીની ઉદ્ધવ ઠાકરે સરકાર છે. અમે મુખ્ય પ્રધાન ઠાકરેને પત્ર લખીને ચાર ડિસેમ્બરે બહાર પાડેલા આ ઠરાવને રદ કરવાની માગણી કરી છે. જો આ સરકાર પણ આ નિર્ણયને વળગી રહેશે તો અમે આંદોલનનો માર્ગ લઇશું.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer