ટૂંક સમયમાં પોસ્ટમેન વીમા પૉલિસી વેચતા નજરે પડશે

મુંબઈ, તા. 6: ટૂંક સમયમાં પોસ્ટમેન માત્ર ટપાલની જ ડિલિવરી નહીં કરે પણ ઇન્શ્યોરન્સ પૉલિસી પણ વેચશે.
ધ ઇન્શ્યોરન્સ રેગ્યુલેરિટી ઍન્ડ ડેવલપમેન્ટ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (આઈઆરડીએઆઈ) પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકને પોઇન્ટ અૉફ સેલ્સ (પીઓએસ) થર્ડ પાર્ટી પ્રોડક્ટ તરીકે ઇન્શ્યોરન્સ વિતરિત કરવાની જવાબદારી સોંપવા અંગેની કરેલી અરજી અંગે વિચારણા કરી રહી છે. આ અંગે રેગ્યુલેટરીએ માર્ગદર્શિકા પણ જારી કરી છે.
આઈઆરડીએઆઈના ચૅરમૅન સુભાત સી. ખુંટિયાએ જણાવ્યું કે, મોટી સંખ્યામાં પોઇન્ટ અૉફ સેલ્સ પર્સનને સાંકળી ઇન્શ્યોરન્સને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાની અમારી યોજના છે.
લોકોને તેમના ઘર આંગણે સરળતાથી સમજી શકે એવા માઇક્રો - ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ પૂરા પાડવાનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું.
માર્ગદર્શિકા મુજબ આઈપીપીબી જે કોર્પોરેટ એજન્ટ તરીકે અૉથોરિટી સમક્ષ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકને પોઇન્ટ અૉફ સેલ્સ પર્સન તરીકે ફરજ બજાવી શકે એ માટેની પરવાનગી માગી છે. એક વાર પરવાનગી મળી ગયા બાદ આઈપીપીબી એના કર્મચારીઓમાંથી કોને કામ સોપવું કે નહીં એ માટે જવાબદાર ગણાશે.
આઈપીપીબી ભારત ભરની 1,55,000 પોસ્ટ અૉફિસ અને 3 લાખ કરતાં વધુ પોસ્ટમેન, ગ્રામીણ ડાકસેવકના નેટવર્ક થકી ટપાલ ખાતાની પહોંચ ભારતભરમાં પહોંચાડવાનો ઇરાદો ધરાવે છે.
પોસ્ટ ડિપાર્ટમેન્ટ એના ફિલ્ડ સ્ટાફની યાદી આઈઆરડીએઆઈને આઇપીપીબી દ્વારા સમયાંતરે આપતી રહેશે. એ સામે આઈપીપીબી ઇન્શ્યોરન્સ માટ પોઇન્ટ અૉફ સેલ્સ પર્સનની તાલીમ પોસ્ટમેન અને ગ્રામીણ ડાકસેવકને આપવાની જવાબદારી પણ લેશે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer