અરબી સમુદ્રમાં પવન નામનું વાવાઝોડું સક્રિય

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.6 : દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ યથાવત્ રહેવા ઉપરાંત સોમાલિયા નજીક પવન નામનું એક નવું વાવાઝોડું  સક્રિય થયું છે. હાલ તેની ઝડપ 10 કિમી પ્રતિ કલાકની છે અને છેલ્લા 6 કલાકથી તે એક જ જગ્યાએ સ્થિર છે. આગામી 24 કલાકમાં આ વાવોઝોડું સોમાલિયાના સમુદ્ર કિનારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે એટલે કે પવન વાવાઝોડાની ગુજરાત પર આગામી દિવસોમાં કોઈ અસર થશે નહીં, પરંતુ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં ઊંચા મોજા ઊછળવાની સંભાવના છે જેથી માછીમારોને આગામી 36 કલાક સુધી દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર અને સોમાલિયા તરફનો દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. 
જોકે, દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ યથાવત્ રહેવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે વાદળીયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણના કારણે મોટાભાગના શહેરોમાં ઠંડીનો પણ ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના લઘુતમ તાપમાન નીચું ગયું છે અને ડીસામાં 18.2 ડિગ્રી, નલિયામાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવા વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની અસર જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર જિલ્લામાં થશે. તો અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer