બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓના આંદોલનમાં શરૂ કરાયા

પ્રતીક ઉપવાસ હાર્દિક-મેવાણીનો ટેકો 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.6 : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓનો વિરોધ આજે ત્રીજા દિવસે પણ યથાવત્ રહ્યો હતો. જોકે, આ આંદોલનમાં ભાગલા પડી ગયા છે. લડત શરૂ કરનાર યુવરાજસિંહે સરકારે ચાર સભ્યોની રચેલી સીટની તપાસમાં વિશ્વાસ મૂકી આજે મળેલી પ્રથમ બેઠકમાં પોતાની પાસે રહેલા તમામ પુરાવાઓ આપ્યા હતા અને સીટ દ્વારા આ પુરાવાને આધાર બનાવી તપાસ આગળ વધારી છે. સીટ દસ દિવસમાં બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાની તપાસ મુદ્દે રિપોર્ટ રજૂ કરશે. તો બીજી તરફ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગણી સાથે કેટલાક પરીક્ષાર્થીઓએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. આ વિદ્યાર્થીઓને હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ ટેકો જાહેર કર્યો છે.
ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન પાસે રોડ પર ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓને મળવા ગઈ રાતથી કૉંગ્રેસના નેતાઓ આવી રહ્યા છે. આખી રાત વિપક્ષી નેતા પરેશ ધાનાણી તેઓની સાથે બેસી રહ્યા હતા.  પરેશ ધાનાણીએ કહ્યું કે, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવી જોઇએ. અમારી સાથે અન્ય ઉમેદવાર પણ જોડાશે તેવી આશા છે.  પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી કૉંગ્રેસ ટેકો આપશે. હાર્દિક પટેલ તેમ જ જીજ્ઞેશ મેવાણી પણ વિદ્યાર્થીઓની સાથે રહ્યા હતા. આ બાબતે હાર્દિક પટેલે જણાવ્યું કે, આ કોઇ રાજકીય આંદોલનથી પણ વિદ્યાર્થીઓના ન્યાયનું આંદોલન છે અને તેથી વિપક્ષ તરીકે અમે ટેકો આપ્યો છે. હાર્દિક પટેલે સરકાર સામે આક્ષેપ કરવાની સાથે સાથે સરકારે નિમેલી સીટના અધિકારીઓ પર પણ આક્ષેપ કર્યો હતો. હાર્દિકે કહ્યું કે, જે લોકોને સીટમાં સમાવવામાં આવ્યા છે એમાંનો એક પણ અધિકારી સંપૂર્ણ ઇમાનદાર નથી એટલે નિર્ણય કેવો આવશે એ વિચારવાની બાબત છે. 
દરમિયાન બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષારદ કરવાની માગ સાથે પ્રત્યેક જિલ્લામાંથી એક-એક વિદ્યાર્થી પ્રતીક ઉપવાસ ઉપર ઊતરશે. જે અનુસાર આજે અલગ અલગ જિલ્લાના 13 જેટલા પરીક્ષાર્થીઓ ઉપવાસ પર બેસ્યા હતા. આ સિવાય કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓ સાથે તેમની માગણીને સમર્થન આપવા માટે હાજર રહેશે. રોજ 33 જિલ્લાના 33 પ્રતિનિધિઓ ઉપવાસ પર બેસશે તેવું કૉંગ્રેસ દ્વારા જણાવાયું છે. 
આમ, પરીક્ષાર્થીઓની લડતને કૉંગ્રેસ પક્ષે આગળ ધપાવી છે. વિખેરાઈ રહેલા આંદોલનને વિપક્ષે બળ પૂરું પાડયું છે. પરેશ ધાનાણી, અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના કૉંગ્રેસના નેતાઓ આખી રાત પરીક્ષાર્થીઓ સાથે રહ્યા હતા. ભૂખ્યા વિદ્યાર્થીઓને પેટભરીને ખવડાવવામાં આવ્યું હતું. ત્યારે હવે કૉંગ્રેસના સહારે પરીક્ષાર્થીઓ આંદોલન ચાલુ રાખશે. તો કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીટની રચનાને તપાસનું નાટક જણાવ્યું હતું. ચાવડાએ તટસ્થ તપાસની માગ કરતા કહ્યું કે, સીટમાં વિદ્યાર્થીઓ હોવા જોઇયે, નહીં કે માનીતા અધિકારી. જો સરકાર પાસે હિંમત હોય તો વિદ્યાર્થીઓની વાત સાંભળવા અહીં આવે. દરમિયાન કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ એ ગુજરાતમાં આવતી કાલે કૉલેજ બંધનું એલાન જાહેર કર્યું છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer