ભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા, માંડ 50 ટકા વાવતેર થયું !

હૃષિકેશ વ્યાસ તરફથી
અમદાવાદ, તા. 6 : અરબ સાગરમાં ફરી એક વખત ચક્કવાતની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં ફેરફાર આવ્યો છે અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખાસ કરીને અમદાવાદના ભાલ વિસ્તારમાં અતિવૃષ્ટિ અને માવઠાથી ખેડૂતો સૌથી કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. વર્ષોથી ચોમાસું પાક પર નહીં પણ શિયાળુ પાક પર નભતા ભાલ વિસ્તારના 20થી વધુ ગામોના ખેતરોમાં ભરાયેલા ચોમાસાના પાણીને કારણે ગયા વર્ષની સરખામણીએ માંડ 50 ટકા જ ઘઉંનું વાવેતર થયું છે. 37થી 40 હજાર હેકટર ભાલિયા બિન પિયત ઘઉંના વાવેતર સામે માંડ 10 હજાર હેકટર વાવેતર થઈ શક્યું છે. જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 20 હજાર હેકટર વાવેતર હતું. અહીં નોંધવું ઘટે કે, બિન પિયત ભાલિયા ઘઉંનું 95 ટકા વાવેતર અમદાવાદ જિલ્લાના ધોલેરાના ભાલ વિસ્તારમાં થાય છે. ધોલેરા સરનું કામ ચાલુ હોવાથી તેના માર્ગો પર 10 ફૂટ સુધી ઊંચી માટી નાખેલી હોવાથી ઘણાં ખેતરોમાં પાણી ભરાયેલા છે. જેથી અમદાવાદ જિલ્લામાં 9500 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. આમ ઓછું વાવેતર થતાં ભાલિયા ઘઉંના ભાવ વધવાની શક્યતા છે. 
ગુજરાતમાં હાલ 9.15 લાખ હેકટર વિસ્તારમાં પિયત ઘઉંનું વાવેતર થાય છે. તેમાં હાલ 1.60 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જોકે હજું વાવણી ચાલુ છે. ભાલમાં બિનપિયત ઘઉંનું 40 હજાર હેકટર વિસ્તારમાં સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી સામાન્ય રીતે વાવણી થતી હોય છે. ભાલિયા ઘઉંમાં સિચાઇના પાણીની જરૂર નથી અને માત્ર ચોમાસાના વરસાદનો ભેજ જ પૂરતો હોય છે, પરંતુ આ વર્ષે ભાલ વિસ્તારમાં થયેલી અતિવૃષ્ટિ અને ત્યારબાદ થઈ રહેલા એક પછી એક માવઠાથી ભાલ વિસ્તારમાં પાણી ભરાયેલા રહેતા ભાલિયા ઘઉંનું પૂરું વાવેતર થઈ શકે તેમ નથી.  
મહત્ત્વ નું છે કે, ભાવનગર અને અમદાવાદ જિલ્લાના મળીને કુલ 94 ગામોના સમુહ વડે બનતો, દરિયાકાંઠાનો અને સવાના પ્રકારના ઘાસિયા મેદાનો ધરાવતો વિસ્તાર ભાલ વિસ્તાર તરીકે ઓળખાય છે. અમદાવાદના ત્ત્વિલયા ઘઉં ગુજરાત જ નહીં દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. ભાલિયા ઘઉંને દાઉદખાની ઘઉં કે કાંઠા ઘઉં પણ કરેવામાં આવે છે અને તેનો દાણો અતિશય કડક હોય છે તેમ જ ભાલિયા ઘઉંમાં ગ્લુટેન વધુ હોવાથી તેમાંથી બનેલી રોટલી કે વાનગીઓ ખાવમાં મીઠી લાગે છે. તે શરીરમાં ફેલાતા ઝેરી પદાર્થને અટકાવે છે તેમ જ હૃદયને મજબૂત રાખે છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer