શિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો

શિવાજીના સ્મારક અંગેનો અહેવાલ વડા પ્રધાનની કચેરીએ મગાવ્યો
મુંબઈ, તા. 6 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીએ અરબી સમુદ્રમાં બાંધવામાં આવનારા છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનો વિસ્તૃત અહેવાલ મહારાષ્ટ્ર સરકાર પાસેથી મગાવ્યો છે. પિંપરી-ચિંચવડના સામાજિક કાર્યકર મારુતિ ભાયકરએ છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકમાંના ગેરવ્યવહારોની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરાવવાની માગણી વડા પ્રધાન મોદીને પત્ર લખીને કરી હતી.
ભાયકરની વિનંતીને પગલે વડા પ્રધાનની કચેરી દ્વારા ગત 29મી નવેમ્બરના દિને સ્મારક અંગે વિસ્તૃત અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે. ભાયકરએ બે માસ પહેલાં શિવસ્મારકની ટેન્ડર પ્રક્રિયા અને કૉન્ટ્રાક્ટના ગેરવ્યવહારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ કરવાની માગણી વડા પ્રધાનની કચેરીને ગત 25મી સપ્ટેમ્બરે પત્ર લખીને કરી હતી.
ભાયકરએ પત્રમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા શિવસ્મારકની ઊંચાઈ 121.2 મીટર યથાવત રાખીને તેના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલાં 3,826 કરોડ રૂપિયાના ટેન્ડરમાં 83.2 મીટર ઊંચાઈ ધરાવતી શિવાજીની પ્રતિમા અને તલવારની લંબાઈ 38 મીટર રાખવાનું નક્કી થયું હતું. જોકે, લાર્સન ઍન્ડ ટુબ્રો કંપની સાથે વાટાઘાટ કરીને 121.2 મીટર ઊંચાઈ યથાવત રાખીને શિવાજીની પ્રતિમાની ઊંચાઈ 75.7 મીટર અને તલવારની લંબાઈ 45.5 મીટર રાખવાનું નક્કી થયું હતું. તેના માટે ટેન્ડરની રકમ 2500 કરોડ રૂપિયા સુધી લાવવામાં આવી હોવાનું ભાયકરએ ફરિયાદમાં જણાવ્યું છે. ઉપરાંત તેના પરિસરમાં પણ કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા છે. તેથી સ્મારકની ટેન્ડર પ્રક્રિયા અને કૉન્ટ્રાક્ટરની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ કરાવવાની માગણી ભાયકરે કરી હતી.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer