બળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ

બળાત્કારીઓને કાયદા અનુસાર મૃત્યુદંડ મળવો જોઇએ દેવેન્દ્ર ફડણવીસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : હૈદરાબાદમાં પશુચિકિત્સક મહિલા ઉપર સામૂહિક બળાત્કાર પછી હત્યાની ઘટનાના આરોપીઓનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર  થવા અંગે રાજકીય પક્ષો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે.
ભાજપના નેતા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભાના વિપક્ષીનેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે બળાત્કાર ગુજારનારાઓને મૃત્યુદંડ મળવો જ જોઇએ પરંતુ તે કાયદા અનુસાર હોવો જોઇએ.
શિવસેનાના સાંસદ ધૈર્યશીલ માનેએ જણાવ્યું હતું કે હૈદરાબાદના એન્કાઉન્ટર બદલ પોલીસ અભિનંદનને પાત્ર છે. એન્કાઉન્ટર કરનારા પોલીસોને રાષ્ટ્રપતિ ચંદ્રક મળવા જોઇએ. આપણા સમાજ સમક્ષ આ પ્રકારનાં ઉદાહરણ હોવાં જોઇએ. આ એન્કાઉન્ટર વિશે પ્રશ્નચિહ્ન ઉપસ્થિત કરનારાઓ ટીકા પાત્ર છે. તેઓના પરિવારમાં આ પ્રકારનો બનાવ બન્યો હોત તો તેઓએ આ પ્રકારનું વિધાન કર્યું હોત? એવો પ્રશ્ન માનેએ પૂછ્યો હતો.
શિવસેનાના નેતા ડૉ. નીલમ ગોરેએ જણાવ્યું હતું કે આરોપીઓને કાયદાની પ્રક્રિયા અનુસાર સજા થવી જોઇએ. આ બળાત્કાર છે. આ ષડ્યંત્ર છે એવું મને લાગે છે. આરોપીઓને કાયદા અનુસાર સજા થવી જોઇએ. ભૂતકાળમાં પોલીસે આરોપીઓને ભાગવાનું કહ્યું હોય અને પછી ગોળીબાર કરીને ઠાર કર્યો હોય એવા બનાવો નોંધાયા છે એમ ડૉ. ગોરેએ ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક ડી. શિવાનંદને જણાવ્યું હતું કે આ પ્રકારના `શોર્ટકટ' લાંબે ગાળે અપરાધોને રોકવામાં મદદ કરતા નથી. મુંબઈમાં મારા કાર્યકાળ દરમિયાન કેટલાક ગૅન્ગસ્ટરોના એન્કાઉન્ટર થયાં હતાં. તેનાથી થોડો સમય પોલીસની પ્રશંસા થાય છે પણ લાંબાગાળે તે સારાં નથી. મહિલાઓ ઉપરના ગુના રોકવા ટેક્નૉલૉજીનો ઉપયોગ થવો જોઇએ.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને ભાજપના સાંસદ સત્યપાલ સિંહે ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે હું હૈદરાબાદ પોલીસને અભિનંદન આપું છું જો આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હોત તો પોલીસના ગણવેશ ઉપર કલંક લાગત.
`એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' તરીકે ઓળખતા નિવૃત સહાયક પોલીસ આયુક્ત પ્રફૂલ્લ ભોંસલેએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર યોગ્ય છે. તે પરિસ્થિતિ અનુસાર હતું. આરોપીઓ પોલીસના શત્રો આંચકીને નાસી છૂટી રહ્યા હોય ત્યારે એન્કાઉન્ટર યોગ્ય છે. જો આરોપીઓ નાસી છૂટયા હોત તો પોલીસની ફરજ પ્રત્યેની બેદરકારી બદલ ટીકા થઈ હોત.
કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ સંજય નિરૂપમે જણાવ્યું હતું કે સમયના તકાજા અનુસાર કાર્યવાહી કરવા બદલ હૈદરાબાદ પોલીસ અભિનંદનને પાત્ર છે. આ એન્કાઉન્ટરથી મહિલાઓમાં સલામતીની ભાવના વધશે.
વંચિત બહુજન આઘાડીના પ્રવક્તા સચીન માળીએ જણાવ્યું હતું કે આ બનાવમાં જેઓ આરોપી હતા તેઓ વાસ્તવમાં ગુનેગાર હતા? આ બનાવની ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ તપાસ થવી જોઇએ.
કૅંગ્રેસના વિધાનસભ્ય પ્રણીતિ શીંદેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પોલીસની પડખે ઉભા રહેવું જોઇએ. હું હૈદરાબાદ પોલીસને અભિનંદન આપું છું. આ એન્કાઉન્ટરથી પીડિતાના આત્માને શાંતિ મળી હશે. પોલીસ માટે એન્કાઉન્ટર કરવાનો સમય આવે ત્યારે સરકારે તેની પડખે ઊભું રહેવું જોઇએ અને ફાઇલ બંધ કરવી જોઇએ.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer