મારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે

મારુતિ-સુઝુકી તેની એક લાખ હાઈબ્રીડ કાર પાછી ખેંચશે
લિથિયમ બેટરીને કારણે આગનું જોખમ
મુંબઈ, તા. 6 : દેશની સૌથી મોટી પેસેન્જર કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (એમએસઆઈએલ)એ એની એક લાખ જેટલી સેકન્ડ જનરેશન સિયાઝ, અર્ટિગા અને તાજેતરમાં લોન્ચ કરાયેલી એક્સએલ-6 જેવી સ્માર્ટ-હાઈબ્રિડ કારને આગ લાગવાનું જોખમ ધરાવતી લિથિયમ આયર્ન બેટરીને કારણે બજારમાંથી પાછી ખેંચશે.
સૂત્રના જણાવ્યા મુજબ તાજેતરમાં એવા બે બનાવો બન્યા જેમાં કારમાં પ્રવાસીઓ હતા ને લિથિયમ આયર્ન બેટરી સળગી ઊઠી હતી.
છેલ્લા એક વરસથી સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલૉજી કારમાં લિથિયમ -આયર્ન બેટરી બેસાડવાને કારણે આવી ઘટના બને છે. છેલ્લા એક વરસ દરમિયાન આગ લાગવાની થોડી ઘટનાઓ બની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રના જણાવ્યા મુજબ આજની તારીખે 
ત્રણ લાખથી વધુ માઈલ્ડ અને સ્માર્ટ હાઈબ્રિડ મારુતિ કાર રસ્તા પર છે. કંપની દ્વારા આટલી મોટી સંખ્યામાં કાર પાછી મગાવવાનું આ કદાચ પહેલી વાર બન્યું હશે. તાજેતરમાં 15 નવેમ્બર, 2018થી 12 અૉગસ્ટ દરમિયાન 40,618 વેગન આર (1 લિટર) પાછી ખેંચી હતી.
વાહનની સુરક્ષામાં રહેલી ખામીઓને દૂર કરવા વિશ્વસ્તરે આ પ્રકારના રિ-કોલ કેમ્પેન થતાં હોય છે.
એક્સએલ-6 અને અર્ટિગાનું માસિક વેચાણ અનુક્રમે 4200 યુનિટ અને 700 યુનિટ છે. જોકે સિયાઝનું વેચાણ સતત ઘટતું રહ્યું છે. નવેમ્બર મહિનામાં 1148 સિયાઝનું વેચાણ થયું હતું જે ગયા વરસના વેચાણ કરતાં 62 ટકા ઓછું રહ્યું હતું. તો અૉક્ટોબરમાં 2018ના 3892 યુનિટ સામે અૉક્ટોબર 2019માં 2371 કાર વેચાઈ હતી.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer