ચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ

ચૈત્યભૂમિમાં ડૉ. આંબેડકરને ઉદ્ધવ ઠાકરેની પુષ્પાંજલિ
મુંબઈ, તા. 6 (પીટીઆઇ) : બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દાદર સ્થિત ચૈત્યભૂમિમાં માથું ટેકવવા દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભીમસૈનિકો ઊમટયા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેમ જ વિધાનસભાના અધ્યક્ષ નાના પટોળે, પ્રધાનો જયંત પાટીલ, બાળાસાહેબ થોરાત, સુભાષ દેસાઇ, વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ તેમ જ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે પણ સવારે ચૈત્યભૂમિ ખાતે જઇને ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 
ઠાકરેએ જણાવ્યું હતું કે ડૉ. આંબેડકરે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. હવે દાદરમાં જ ઇંદુ મિલ્સ કંપાઉન્ડમાં ડૉ. આંબેડકરનું સ્મૃતિસ્થાન બની રહ્યું છે જે અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓ તેમ જ વંચિતો માટે પ્રેરણારૂપ સ્થળ બની રહેશે. 
છેલ્લા બે દિવસથી ભીમ સૈનિકો ચૈત્યભૂમિ અને શિવાજી પાર્કમાં ઊમટી રહ્યા છે. આજે લાખો ભીમસૈનિકો દાદર સ્ટેશને ઊમટી પડયા હતા તેથી દિવસભર દાદર સ્ટેશનમાં ભારે ભીડ હતી અને પગ મૂકવાની પણ જગ્યા નહોતી.

Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer