કુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ

કુમાર મંગલમ બિરલાનું અલ્ટિમેટમ
સરકાર રાહત નહીં આપે તો વોડાફોન-આઇડિયાને સમેટી લેવાશે
મુંબઈ, તા.6 (પીટીઆઈ): દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની વોડાફોન આઈડિયા લિ.ને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફટકારવામાં આવેલી સ્ટેટયુટરી ફીમાં જો સરકાર રાહત આપશે નહીં તો કંપનીને તેનો બિઝનેસ સમેટી લેવાની ફરજ પડશે, એમ તેના અબજોપતિ ચૅરમૅન કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું. 
એક સમિટમાં કંપનીના ભવિષ્ય વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, જો અમને કોઈ રાહત મળશે નહીં તો વોડાફોન આઈડિયા બિઝનેસનો અંત આવશે. કંપનીએ રૂા. 53,038 કરોડ ચૂકવવાના છે. 
મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓના ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ બાદ તીવ્ર સ્પર્ધા સર્જાતા ગયા વર્ષે બિરલાની આઈડિયા સેલ્યુલર અને બ્રિટિશ ટેલિકોમ અગ્રણી વોડાફોનની ભારતીય યુનિટ મર્જ થઈ હતી. આ પ્રક્રિયામાં બંને કંપનીઓ ઉપર એકંદર દેવું રૂા. 1.17 લાખ કરોડનું થયું હતું. સુપ્રીમ કોર્ટના સ્ટેટયુટરી લાઈબિલિટી બાબતના ચુકાદા બાદ કંપનીની લાઈબિલિટી વધતાં કંપનીએ ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં અત્યારસુધીની સૌથી વધુ ખોટ નોંધાવી હતી. 
જો વોડાફોન આઈડિયા વધુ નાણાં ઉમેરે તો પરિસ્થિતિ શું હશે તે બાબતે બિરલાએ કહ્યું કે, ખરાબ પરિસ્થિતિને કાબુમાં લેવા સારા નાણાં ફરીથી રોકો એનો કોઈ અર્થ નથી. આનાથી અમારી વાર્તા પૂરી થશે. અમારે બિઝનેસ બંધ કરવો પડશે. 
ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા અન્ય ટેલિકોમ કંપનીઓએ રૂા. 1.47 લાખ કરોડની ચૂકવણી ટેલિકોમ લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુસેજ (વપરાશ) ચાર્જના પેટે કરવાની છે, જેમાં છેલ્લાં 14 વર્ષનું વ્યાજ અને દંડનો સમાવેશ છે. એરટેલ અને વોડાફોન આઈડિયાએ સરકારના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં રાહત આપવા માટે અરજી કરી હતી. તેમણે સરકારને વિનંતી કરી કે વ્યાજ અને દંડમાં રાહત મળવી જોઈએ. બંને કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ કરી હતી. 
બિરલાને આશા છે કે સરકાર ટેલિકોમ ક્ષેત્ર ઉપરાંત અન્ય ઉદ્યોગને રાહત આપીને છ વર્ષની નીચલી સપાટીએ આવેલા અર્થતંત્રને ગતિ આપશે. `સરકારને સમજાયું છે કે ટેલિકોમ ક્ષેત્ર ખૂબ જટિલ છે. સંપૂર્ણ ડિજિટલ ઈન્ડિયાનો પ્રોગ્રામ આ ક્ષેત્ર ઉપર નિર્ભર છે. સરકારે જાહેરમાં કહ્યું છે કે તેમને ખાનગી ક્ષેત્રમાંથી ત્રણ અને પબ્લિક ક્ષેત્રમાંથી એક કંપનીની જરૂર છે. મારું માનવું છે કે અમે સરકાર પાસેથી વધુ રાહતની આશા રાખી શકીએ છીએ કારણ કે, આ ક્ષેત્રને ફરી જીવંત કરવાની જરૂર છે. જો અમને કંઈ નહીં મળે તો વોડાફોન આઈડિયાનો અંત નિશ્ચિત છે. સરકારે ગયા મહિને અૉક્શનમાં ટેલિકોમ કંપનીઓએ મેળવેલા સ્પેક્ટ્રમનાં બાકી નાણાં લેવા માટે બે વર્ષનો સમય આપવાનો નિર્ણય લીધો હતો. ઉદ્યોગ માટે કુલ રાહત રૂા. 44,000 કરોડની હતી, પરંતુ કંપનીઓને આશા છે કે બે વર્ષ પછી તે વ્યાજ સાથે આ બાકી રકમ ચૂકવશે. 
બિરલાએ કહ્યું કે, રૂમમાં મોટો હાથી (એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ) `એજીઆર' છે. જેનો ઉકેલ કોર્ટના ન્યાયતંત્રમાં છે. મારું માનવું છે કે સરકારે આ બાબતે મંત્રણા કરવી જોઈએ. 
એજીઆર -એડજેસ્ટેડ ગ્રોસ રેવેન્યુ એ ટેલિકોમ કંપનીઓ સ્ટેટયુટરી ચુકવણીના ટકાના સ્વરૂપમાં દર્શાવે છે. સુપ્રીમ કોર્ટે સરકારને સમર્થન આપ્યું કે બિન-ટેલિકોમ આવકનો સમાવેશ એજીઆરની ગણતરીમાં થવો જોઈએ.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer