બળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો

બળાત્કારીઓનાં એન્કાઉન્ટરનો મેનકા ગાંધીએ વિરોધ કર્યો
જ્યારે જયા બચ્ચને આનંદ વ્યક્ત કર્યો
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 6 : તેલંગણા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં ચાર આરોપીઓના હૈદરાબાદ પોલીસ દ્વારા કરાયેલા એન્કાઉન્ટરના અહેવાલોની રાજધાની દિલ્હીના રાજકીય વર્તુળોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. કેટલીક મહિલા સાંસદોએ આ પગલાંનું સ્વાગત કર્યું હતું, તો કેટલાક લોકોએ પોલીસના કહેવાતા એન્કાઉન્ટર સામે સવાલ ઉઠાવ્યા હતા.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ આવા એન્કાઉન્ટરને દેશ માટે ભયાનક ગણાવ્યો હતો. કાયદાને હાથમાં લેવો ન જોઈએ. આરોપીઓને અદાલત દ્વારા ફાંસીની સજા તો થવાની જ હતી.
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને આ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓ ઠાર થયા તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, `દેર આયે દુરુસ્ત આયે.' અગાઉ તેમણે આવા આરોપીઓને જાહેરમાં ઠાર કરવાની હિમાયત કરી હતી.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા મારતીએ પણ આ ઘટનાની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે તેઓ ઘટનાથી વ્યથિત હતાં.
આ સદીના આ વર્ષમાં મહિલાઓને સુરક્ષાની બાંયધરી આપનારી આ એક મોટી ઘટના છે. આ કાર્યવાહી પાર પાડનારા તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસો અભિનંદનને પાત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે અન્ય રાજ્યોના શાસકો આવા અપરાધીઓને તત્કાળ પાઠ ભણાવવાના માર્ગો શોધશે.
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની પોલીસ હૈદરાબાદ પોલીસ પાસેથી બોધપાઠ લે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer