નેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત

નેશનલ હાઈવે પર કાર ઊંધી વળતાં મહારાષ્ટ્રની બે મહિલાનાં મોત
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 6 : નેશનલ હાઇવે નં-48 ઉપર એલઍન્ડટી પાસે ઇનોવા કાર પલટી ખાતા કારમાં સવાર બે મહિલાઓના મોત નીપજ્યાં હતાં અને 4 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
મહારાષ્ટ્રનો પરિવાર પ્રવાસમાં ગયો હતો અને પ્રવાસ પૂર્ણ કરીને તેઓ પરત ફરી રહ્યો હતો. દરમિયાન નેશનલ હાઇવે ઉપર એલઍન્ડટી પાસે કાર પલટી ખાઇ ગઇ હતી. કાર પલટી ખાતા કારમાં સવાર 7 પૈકી બે મહિલાઓ પ્રવિણાબહેન પ્રવીણચંદ્ર મહેતા (ઘાટકોપર) અને અલકાબહેન કિરીટભાઈ શાહ (બેલેગામ, કર્ણાટક)ના મોત નીપજ્યાં હતાં. 
આ અકસ્માતમાં કારમાં સવાર કિરીટભાઈ પ્રાણજીવન શાહ (બેલેગામ, કર્ણાટક) સાગરભાઈ કિરીટભાઈ શાહ, નિરવભાઈ પ્રવિણચંદ્ર મહેતા (ઘાટકોપર) અને નિરજ મધુકર ડફલપુરકર (મલાડ)ને ઇજા પહોંચતા તમામને વાઘોડિયા રોડ ઉપર આવેલી ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 
પરિવારજનો પહેલી ડિસેમ્બરના રોજ નિરજ ડફલપુરકરની કાર ભાડે કરીને ઊના ખાતે આવેલ જગજીવન બાપુના આશ્રમમાં ગયા હતા અને ત્યાં બે દિવસનું રોકાણ કર્યા બાદ મોડી રાત્રે પરત પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. કારના ચાલક નિરજ ડફલપુરકર થાકી જતાં તેઓએ રસ્તામાં નિરવ મહેતાને કાર ચલાવવા આપી હતી. નિરવ મહેતાએ એલઍન્ડટી પાસે ડ્રાઇવિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. બાપોદ પોલીસે કારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer