સામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો

સામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં કડક પગલાંની સર્વાનુમતે માગણી કરતા સાંસદો
સ્મૃતિ ઈરાની તરફ આક્રમક વલણ બદલ સરકારે કૉંગ્રેસના બે સાંસદોની માફીની માગણી કરી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 6 : ઉન્નાવ, માલ્દા અને હૈદરાબાદના બળાત્કારના કિસ્સાઓ શુક્રવારે લોકસભામાં છવાયા હતા અને સાંસદોએ પક્ષથી પર રહીને આવા અધમ ગુનાઓ માટે કડક કાયદાઓ ઘડવાની સર્વાનુમતે માગણી કરી હતી તેમ જ પીડિતાઓ પરના હુમલાને ટાળવા કાનૂની પ્રક્રિયાને ઝડપી બનાવવાની પણ હિમાયત કરી હતી. સાંસદો આવા જઘન્ય અપરાધોને રાજકીય રંગ નહીં આપવા તેમ જ આવા બનાવો `સનસનાટીપૂર્ણ' હોવા છતાં તેમની સાથે સંવેદનશીલ રહીને કામ પાર પાડવા સંમત થયા હતા.
જોકે સંસદમાંની આ ચર્ચા ધાંધલધમાલમાં ફેરવાઈ ગઈ હતી જ્યારે મહિલા બાળ કલ્યાણપ્રધાન સ્મૃતિ ઈરાની બોલી રહ્યાં હતાં ત્યારે તેમની તરફ `ધમકીભર્યું વર્તન' કરનારા કૉંગ્રેસના બે સાંસદોની માફીની માગણી સરકારે કરી હતી. સ્મૃતિ ઈરાની દેશમાં તાજેતરમાં બનેલા બળાત્કારના બનાવો પર બોલી રહ્યાં હતાં.
ગૃહની કાર્યવાહી ટૂંક સમય માટે મોકૂફ રાખવામાં આવી હતી અને ત્યારબાદ ભાજપના સાંસદોએ કૉંગ્રેસના સાંસદો માફી માગે એવો આગ્રહ રાખતા સમગ્ર દિવસ માટે કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
આ મુદ્દો ગૃહમાં ઉઠાવતા કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે `ઉન્નાવ બળાત્કાર પીડિતા 95 ટકા દાઝી ગઈ છે આ દેશમાં શું ચાલી રહ્યું છે? એક તરફ ભગવાન રામના મંદિર બાંધવામાં આવી રહ્યાં છે જ્યારે બીજી તરફ સીતા માતાને સળગાવવામાં આવી રહ્યાં છે. ગુનેગારો આટલા ભક્તમુક્ત કેમ થઈ ગયા છે? ઉન્નાવ કેસમાં ચાર દિવસ પહેલાં જામીન પર છૂટેલા આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી દીધી છે અને તે 95 ટકા દાઝી ગઈ છે. આ આરોપીઓને કેવી રીતે મુક્ત કરવામાં આવ્યા? આ દેશમાં શું થઈ રહ્યું છે? હૈદરાબાદ પોલીસે બળાત્કારીઓને ઠાર કર્યા જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસે છોડી મૂક્યા જેને કારણે તેમને અપરાધ કરવાની તક મળી' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ઉન્નાવ કેસના વિરોધમાં કૉંગ્રેસના સાંસદો સભાત્યાગ કરી ગયા હતા.
શૂન્યકાળના સમય દરમિયાન ઘણા સાંસદો ઉન્નાવ પીડિતા વિષે બોલ્યા હતા. પોતાની પ્રતિક્રિયામાં સ્મૃતિ ઈરાનીએ બળાત્કારના બનાવને રાજકીય રંગ નહીં આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માલ્દાના બનાવ વિષે કેવી રીતે અમુક સાંસદો ચુપ રહ્યા હતા. પશ્ચિમ બંગાળની સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં બળાત્કારનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
કૉંગ્રેસના સાંસદો ટી એન પ્રથપન અને ડી કુરીઆકોલે બન્ને પોતાની બેઠકો પરથી ઊભા થઈ ગયા હતા અને ગૃહની વચ્ચે ગયા હતા તેમ જ સ્મૃતિ ઈરાની બોલી રહ્યાં હતાં ત્યારે તેમની સાથે બોલવા લાગ્યા હતા. ભાજપના સભ્યોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમની માફીની માગણી કરી હતી.
બપોરના ભોજન બાદ ગૃહની કાર્યવાહી ફરીથી શરૂ થયા પછી સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સ્મૃતિ ઈરાની તરફ ધમકીભર્યું વર્તન કરવા માટે કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેમના બે સાંસદોને માફી માગવા જણાવવું જોઈએ.
ચૌધરીએ જણાવ્યું હતું કે આ બનાવ વખતે તેઓ ગૃહમાં હાજર નહોતા એટલે માફીનું જણાવી શકે નહીં ત્યારે મીનાક્ષી લેખીએ એવું સૂચન કર્યું હતું કે તેમણે આ બાબતની ચર્ચા સંબંધિત સાંસદો સાથે કરવી જોઈએ અને ત્યારબાદ ગૃહની કાર્યવાહી 2.30 વાગ્યા સુધી મોકૂફ રાખી હતી. `આ એક વખોડવાલાયક વર્તન હતું. તેઓ ધમકીભર્યા અંદાજમાં આગળ વધ્યા હતા જ્યારે સ્મૃતિ ઈરાની બોલી રહ્યાં હતાં. તેઓ મહિલા સાંસદ છે આ એક સૌથી અનિચ્છનીય વર્તન હતું અને તેમણે માફી માગવી જોઈએ' એમ જોશીએ વધુમાં જણાવ્યું હતું.
જોકે અઢી વાગે ફરીથી ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે એ બે સાંસદ હાજર રહ્યા નહોતા. શાસક પક્ષના સાંસદોએ માફીની માગણી ચાલુ રાખતાં ગૃહની કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી.
દરમિયાન ગૃહની કાર્યવાહી બાદ પત્રકારો સમક્ષ બોલતાં સ્મૃતિ ઈરાનીએ સાંસદોના `આક્રમક વર્તન' બદલ આઘાત વ્યક્ત કર્યો હતો. ઈરાનીએ એવો દાવો કર્યો હતો કે બન્ને સાંસદો તેમની તરફ આક્રમક રીતે આગળ આવ્યા હતા અને એક સાંસદે તો એવો સવાલ કર્યો હતો કે તેઓ (ઈરાની) શા માટે બોલી રહ્યાં છે. `હું મહિલા છું એ શું મારો ગુનો છે? હું ગૃહમાં બોલું છું એ શું મારો ગુનો છે'? એવો સવાલ સ્મૃતિ ઈરાનીએ કર્યો હતો.
ભાજપના મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે ઉન્નાવ બનાવની તપાસ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સિટ)ની રચના કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસ એન્કાઉન્ટર વિષે બોલતાં તેમણે જણાવ્યું હતું કે જો કોઈ ભાગવાનો પ્રયાસો કરે તો પોલીસે તેની બંદૂકનો ઉપયોગ કરવો પડે છે.
શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું હતું કે આવા બનાવોને રોકવા કાયદાનો ભય ઊભો કરવાની જરૂર છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer