ઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી

ઉન્નાવ પીડિતાએ કહ્યું હું મરવા નથી માગતી
હોશમાં આવતા જ આરોપીઓને આકરી સજાની માગ : તબીબોના કહેવા પ્રમાણે હજી 72 કલાક નાજુક
નવી દિલ્હી, તા. 6 : ઉન્નાવમાં બળાત્કાર બાદ જીવતી સળગાવવામાં આવેલી પીડિતાની હાલત એકદમ ગંભીર છે. દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં પીડિતા જીવન અને મૃત્યુની જંગ લડી રહી છે અને ભયંકર પીડા વચ્ચે આરોપીઓને આકરી સજાની માગણી કરી છે. પીડિતાએ પોતાના ભાઈને કહ્યું હતું કે, આરોપીને છોડવામાં ન આવે. હોશમાં આવતા જ પીડિતા સવાલ કરે છે હું બચી જઈશ? હું મરવા નથી માગતી. 
સફદરજંગ હોસ્પિટલમાં તબીબોની ટીમ તરફથી પીડિતાને બચાવવાના તમામ સંભવ પ્રયાસ થઈ રહ્યા છે. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનીલ ગુપ્તાના કહેવા પ્રમાણે પીડિતાને લખનઉથી દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યા બાદ ભાનમાં આવીને વારંવાર એક જ વાત કરે છે કે તે બચી જશે ? તે મરવા નથી માગતી. પીડિતા પોતાના ભાઈને પણ વારંવાર આરોપીઓને ન છોડવાનું કહી રહી છે. ડો. સુનીલ ગુપ્તાએ કહ્યું હતું કે, પીડિતાના અંગ કામ કરી રહ્યા છે અને હજી બેહોશીની સ્થિતિમાં છે. તબીબના કહેવા પ્રમાણે તેઓ પીડિતાને બચાવવાનો તમામ સંભવ પ્રયાસ કરી રહ્યા છે પણ શરૂઆતના 72 કલાક ખૂબ જ મહત્વના હોય છે. 
23 વર્ષિય પીડિતાને લખનઉની સિવિલ હોસ્પિટલમાંથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. ગુરુવારે સવારે પીડિતા ઉન્નાવથી રાયબરેલી જવા માટે ટ્રેન પકડી રહી હતી. ત્યારે પાંચ લોકોએ તેના ઉપર કેરોસીન ફેંકીને આગ લગાડી હતી. મહિલાએ ચાલુ વર્ષના જ માર્ચ મહિનામાં બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી અને તેનો કેસ ઉન્નાવની જ એક કોર્ટમાં ચાલી રહ્યો હતો.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer