હૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર

હૈદરાબાદ બળાત્કાર કાંડ ચારેય હેવાન એન્કાઉન્ટરમાં ઢેર
વહેલી સવારે રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ જવાયેલા ચારેય આરોપીએ હથિયારો છીનવીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસનાં ગોળીબારમાં ઠાર : આખા દેશમાં ઉજવણી, તો બીજી બાજુ માનવ અધિકાર પંચનો તપાસનો આદેશ
હૈદરાબાદ, તા.6 : નિર્ભયાકાંડ બાદ ફરી એકવાર સમગ્ર દેશને ખળભળાવી મૂકનાર હૈદરાબાદમાં એક મહિલા વેટરનરી તબીબ ઉપર સામૂહિક બળાત્કાર અને હત્યાનાં નૃશંસ અપરાધિક ઘટનામાં આજે નાટકીય વળાંક આવ્યો હતો અને મળસ્કે ભાગવાનો પ્રયાસ કરતાં ચારેય હેવાનોને પોલીસે એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા. હૈદરાબાદના આ ભયાનક બળાત્કાર કાંડ પછી સમગ્ર દેશમાં તાત્કાલિક ન્યાયની માગ બુલંદ બની હતી અને તેના પડઘા સંસદમાં પણ સંભળાયા હતા. જોકે હવે ચારેય દરિંદા મરાયા બાદ દેશનાં અનેક ખૂણામાંથી એન્કાઉન્ટર સામે પ્રશ્નસૂચક દાવા-દલીલોનાં કારણે વિવાદ પણ સર્જાઈ ગયો છે. જ્યારે એન્કાઉન્ટરનાં સ્થળે એકઠી થયેલી મોટી મેદનીએ પોલીસ અધિકારીઓનું પુષ્ટવૃષ્ટિથી સ્વાગત કર્યુ હતું જેમાં લોકલાગણીનો પડઘો સંભળાતો હતો. આવી જ રીતે સમગ્ર દેશમાં આ બર્બર ઘટનામાં સમયસર ન્યાય તોળાયાની લાગણીનું મોજું પણ ફરી વળ્યું હતું. બીજીબાજુ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ એન્કાઉન્ટરની ઘટનાને સંજ્ઞાન લઈને તપાસનો આદેશ પણ આપ્યો હતો. વકીલો, ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ અને માનવ અધિકાર માટે લડતા એક્ટિવિસ્ટોએ આ સામે સવાલો કર્યા છે.
આ એન્કાઉન્ટર વિશે આજે સાયબરાબાદ પોલીસ કમિશનર વી સી સજ્જનારે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ઘટનાક્રમ મીડિયા સમક્ષ વર્ણવ્યો હતો. જે મુજબ બળાત્કારનાં ચારેય આરોપી મોહમ્મદ આરીફ (26), જોલુ શિવા (20), જોલુ નવીન (20) અને ચીંતાકુટા ચેન્નાકેશવુલુને ગુરુવારની રાત્રે ત્રણેક વાગ્યે 10 પોલીસકર્મી હૈદરબાદથી પચાસેક કિમી દૂર ચટ્ટાપલ્લી પાસે લઈ ગયા હતાં. જ્યાંથી પીડિતાનો સળગાવી દેવાયેલો મૃતદેહ મળ્યો હતો એ સ્થળે ચારેય આરોપીને લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન (નિદર્શન) કર્યુ હતું. જે દરમિયાન પોલીસને પીડિતાનો મોબાઈલ ફોન પણ હાથ લાગ્યો હતો. 
સજ્જનારે આગળ આપેલી સિલસિલાબંધ વિગતો અનુસાર પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસ પછી જ ચારેય આરોપીની ધરપકડ કરી હતી. અદાલતે 10 દિવસની પોલીસ કસ્ટડી ચારેય આરોપીઓની આપેલી. જેમાં ચાર અને પાંચ ડિસેમ્બરે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે પરોઢે ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતાં. ત્યારે કોઈ આરોપીને હાથકડી પહેરાવવામાં આવેલી નહોતી. એક તબક્કે મોકાનો લાભ ઉઠાવતાં આરીફ અને ચિંતાકુટા પોલીસના હથિયાર છીનવી લીધા અને ડંડા અને પથ્થરથી પણ પોલીસકર્મીઓ ઉપર હુમલો બોલાવી દીધો હતો. બે આરોપીએ તો પોલીસ ઉપર ગોળી પણ છોડી હતી. જેમાં બે પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. આમ છતાં પોલીસે વળતાં ગોળીબાર કરતાં પહેલાં આરોપીઓને તાબે થઈ જવા ચેતવણીઓ આપી હતી પણ સ્થિતિ કાબૂમાં નહીં આવતાં આખરે પોલીસે પણ ગોળીબાર કરવા પડયા હતા અને તેમાં ચારેય આરોપી મરાયા હતા. આ સામસામા ગોળીબાર પણ દસેક મિનિટ સુધી ચાલેલા. આ સમગ્ર ઘટના પ.4પથી 6.1પ દરમિયાન બની હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ચારેય મૃતકોનાં શબ જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
સજ્જનારને જ્યારે માનવ અધિકાર વિશે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે દૃઢતાપૂર્વક જવાબ આપતાં કહ્યું હતું કે માનવ અધિકાર તરફથી કરવામાં આવતા કોઈપણ પ્રકારના સવાલોનો ઉચિત જવાબ આપવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે 27મી નવેમ્બરે વ્યસ્ત હાઈવે ઉપર એક ટોલબૂથ પાસે પીડિત મહિલા તબીબે પોતાનું સ્કૂટર પાર્ક કર્યુ હતું અને તેમાં આરોપીઓએ પંક્ચર પાડી દીધું હતું. જેને રિપેર કરાવી આપવાનાં નામે તેને ભોળવીને ટ્રકયાર્ડમાં લઈ જવાઈ હતી. જ્યાં તેનાં ઉપર સામૂહિક બળાત્કાર ગુજારીને ચારેય ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે તેને શહેરથી દૂર લઈ જઈને સળગાવીને હત્યા નીપજાવી નાખી હતી.
બળાત્કાર કેસનો ઘટનાક્રમ
27 નવેમ્બર : 26 વર્ષિય વેટરનરી ડોક્ટર હોસ્પિટલેથી ઘરે જતા સમયે લાપતા થયા.
28 નવેમ્બર : શાદનગરના એક ફ્લાઈઓવર નીચેથી સળગેલી હાલતમાં પીડિતાનો મૃતદેહ મળ્યો
29 નવેમ્બર : બળાત્કાર અને હત્યાના આરોપમાં 20થી 24 વર્ષ વચ્ચેના ચાર શખસ ઝડપાયા
30 નવેમ્બર : બળત્કારની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ : આરોપીઓ 14 દિવસની કસ્ટડીમાં
2 ડિસેમ્બર : સંસદના બન્ને ગૃહોમાં હંગામો, આરોપીઓને આકરી સજાની માગણી
4 ડિસેમ્બર :  કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટના ગઠનનો તેલંગણ સરકારનો આદેશ
6 ડિસેમ્બર  :  આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા, ભાગવાનો પ્રયાસ કરતા સાઈબરાબાદ પોલીસે આરોપીઓને ઠાર કર્યા.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer