નિરવ મોદીનું રિધમ હાઉસ વેચાઈ જશે?

મુંબઈ, તા. 7 : વિશેષ અદાલતે ભાગેડુ ગુનેગાર નિરવ મોદીને ફરાર ઘોષિત કર્યા બાદ એની બે મિલકતો કાલા ઘોડાસ્થિત રિધમ હાઉસ અને વરલીના ઘરના લિલામ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
ધ સ્પેશિયલ પ્રિવેન્શન અૉફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) કોર્ટે મોદીને ફરાર ગુનેગાર જાહેર કરતાં ઈડીએ 2400 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી એનું લિલામ કરવા દેવા અંગેની અરજી કરી છે, જેની સુનાવણી 10 જાન્યુઆરીએ હાથ ધરાશે. એક વાર મિલકત જપ્ત થયા બાદ એના પર સરકારનો અધિકાર રહેશે.
હાલ નિરવના પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. મોદીએ વરલીસ્થિત સમુદ્ર મહલમાં 125 કરોડ રૂપિયામાં ચાર ફ્લૅટ ખરીદ્યા હતા. આમાંના ત્રણ ફ્લૅટ એક ઉદ્યોગપતિ પાસેથી 2006માં ખરીદ્યા હતા, જેને ડુપ્લેક્સમાં ફેરવવામાં આવ્યા છે, જ્યારે ચોથો ફ્લૅટ મધ્ય પ્રદેશના રાજકારણી જેમાં સંકળાયેલા છે એ ટ્રસ્ટ પાસેથી લીધો છે. મોદીએ 2017માં એની કંપની ફાયરસ્ટાર ડાયમન્ડના નામે રિધમ હાઉસના માલિક કરમાલી ફેમિલી પાસેથી 32 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ હેરિટેજ બિલ્ડિંગને હાઈ ઍન્ડ જ્વેલરી શો રૂમમાં બદલવાની એની યોજના હતી.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer