હજયાત્રીઓને નડી રહી છે મંદી

મુંબઈ, તા. 7 : આર્થિક મંદીની અસર હજયાત્રા પર પણ દેખાઈ રહી છે. 2020 માટે હજ કમિટી અૉફ ઇન્ડિયાને 2.1 લાખ જેટલી અરજીઓ મળી છે જે ગયા વરસ કરતા 60 હજાર જેટલી ઓછી છે. અરજીમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખી હજ કમિટીએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ વધારીને 17 ડિસેમ્બર, 2019 કરી છે.
લગભગ 90 હજાર જેટલા વેઈટ લિસ્ટિંગના અરજદારો 2019માં હજયાત્રાએ જઈ શક્યા ન હોતા, પરંતુ આવતા વરસે આ સંખ્યામાં ઘટાડો થશે, એમ હજ કમિટીના સીઈઓ ડૉ. એમ. એ. ખાને જણાવ્યું હતું.
વૈશ્વિક મંદીને કારણે હજ 2020માં ઓછા લોકોએ અરજી કરી છે. ઉપરાંત સાઉદી દ્વારા સર્વિસ ચાર્જમાં વધારો કરાતા યાત્રાના કુલ ખર્ચમાં પણ વધારો થયો હોવાનું ખાને જણાવ્યું હતું.
ભારતના બે લાખના હજ ક્વૉટામાંથી 1.4 લાખ ભાવિકો હજ કમિટી દ્વારા હજયાત્રાએ જશે, જ્યારે બાકીના 60 હજાર ભાવિકો ખાનગી ટૂર અૉપરેટર દ્વારા યાત્રાએ જશે.
જે રાજ્યોમાંથી ગયા વરસ કરતા ઓછી અરજીઓ આવી છે એમાં કેરળ અને ઉત્તર પ્રદેશ મુખ્ય છે. કેરળમાંથી વીસ હજાર જેટલી અરજી ઓછી આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશના 30 હજારના ક્વૉટા સામે 20 હજાર અરજી આવી છે. સાઉદી અરેબિયાની નવી જોબ પૉલિસીને કારણે નોકરી ગુમાવનાર કેરળથી ગયેલા અનેક જણ પાછા આવ્યા હોવાથી હજયાત્રાએ જવાના પૈસા નથી, જ્યારે યુપીમાં ગયા વરસે જેટલા નામો વેઈટિંગ લિસ્ટમાં હતા એ તમામનો સમાવેશ કરાયા બાદ થોડી અરજીઓ આવી હતી.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer