પ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ

પ્રકરણ પોલીસને મારપીટનું ભરત શાહ અને તેમના પુત્રને આગોતરા જામીન આપતી કોર્ટ
મુંબઈ, તા. 7 : પોલીસને મારપીટના પ્રકરણમાંના સહઆરોપી ફિલ્મ નિર્માતા ભરત શાહ અને તેમના પુત્ર રાજીવને વધારાના સેશન્સ જજે શુક્રવારે અટક પૂર્વેના જામીન મંજૂર કર્યા છે.
ભરત અને રાજીવ શાહની ધરપકડ કરવામાં આવે તો 25 હજાર રૂપિયા જમીન પર છોડવામાં આવે, તેમ જ બંને આરોપીને આ પ્રકરણમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી દર સોમવારે ગામદેવી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનો આદેશ પણ ન્યાયાધીશ ડી. એસ. દેશમુખે આપ્યો છે.
દક્ષિણ મુંબઈના ભૂલાભાઈ દેસાઈ રોડ પરના `ડર્ટી બન્સ' પબમાં કેટલાક દિવસો પહેલા સવારે બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. તે વેળા ગામદેવી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો ત્યારે કહેવાય છે કે ભરત શાહના પૌત્ર યશે પોલીસની મારપીટ કરી હોવાનો આરોપ છે.
આ પ્રકરણમાં પોલીસે એફઆઈઆર નોંધીને યશ અને બીજા બે જણાની ધરપકડ કરી હતી. આ પછી ભરત શાહ (75) અને તેમનો પુત્ર રાજીવ (55) પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેઓએ પોલીસ વિશે અભદ્ર ભાષા વાપરી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસો કર્યો હોવાનો આરોપ મૂકી પોલીસે વધુ એક ગુનો નોંધ્યો હતો.
આને લઈ ધરપકડની લટકતી તલવાર જોઈને બંનેએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. `પોલીસ અમાનવીય રીતે યશ અને બીજા બેની મારપીટ કરતી હતી તે વેળા સંબંધિત પોલીસ અધિકારી આક્રમકપણે વર્તતા હતા અને ઊલટાનો અમારા વિરુદ્ધ ગુનો નોંધ્યો' એવો આરોપ શાહ પિતા-પુત્રે અરજીમાં કર્યો હતો. આમ હવે ડાયમંડ કિંગનો તાત્કાલિક ધરપકડમાંથી છુટકારો થયો છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer