ઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન

ઉન્નાવ રૅપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, નિધન
નવી દિલ્હી, તા. 7 : ઉન્નાવ રૅપ પીડિતા આખરે જિંદગી સામેનો જંગ હારી ગઈ છે. શુક્રવારે રાત્રે 10:40 વાગ્યે સફદરગંજ હૉસ્પિટલમાં તેનું મોત થઈ ગયું હતું. આ અંગેની જાણકારી પીડિતાની બહેને આપી હતી, જે બાદમાં હૉસ્પિટલના ડૉક્ટર શભલ કુમારે આ અંગેની પુષ્ટિ કરી હતી. 
હૉસ્પિટલના બર્ન અને પ્લાસ્ટિક સર્જન વિભાગના એચઓડી ડૉક્ટર શલભ કુમારે પીડિતાના નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું કે, રાત્રે આશરે 11:10 વાગ્યે પીડિતાના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેની હાલતમાં કોઈ સુધારો થઈ શક્યો ન હતો અને રાત્રે 10:40 વાગ્યે તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. 
90 ટકા સુધી બળી ગયેલી ઉત્તર પ્રદેશની નિર્ભયાએ અંતિમ ઘડી સુધી હાર માની ન હતી. ગુરુવારે રાત્રે નવ વાગ્યા સુધી તે ભાનમાં હતી, જ્યાં સુધી ભાનમાં હતી અને કહેતી હતી કે, મને જીવતી સળગાવનારા લોકોને છોડશો નહીં. જે બાદમાં તેણી બેશુદ્ધ બની ગઈ હતી.
ડૉક્ટરોએ તેને બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી, પરંતુ તેણી ભાનમાં આવી જ ન હતી. આખરે તેણી જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી. ન્યાયની લડત લડતાં લડતાં વધુ એક નિર્ભયા જિંદગીનો જંગ હારી ગઈ હતી.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer