હવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે

હવે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નિશ્ચિત દયાની અરજી નકારાશે
હૈદરાબાદ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓના પોસ્ટમોર્ટમનું રેકોર્ડિંગ થશે
નવી દિલ્હી, તા. 7 : ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામેલા વિનય શર્માની દયાની અરજી નકારવાની ભલામણ કરી છે. આમ છતાં રાષ્ટ્રપતિને માફી આપવાની સત્તા છે. જોકે, રાષ્ટ્રપતિ ભવન મોટા ભાગે મંત્રાલયની ભલામણનો સ્વીકાર કરતા હોય છે. બદલાયેલા સંજોગો જોતાં રાષ્ટ્રપતિ દયાની અરજી નકારી કાઢશે એવી ભારોભાર શક્યતા હોઈ નિર્ભયાના મોત માટે દોષીઓને ફાંસી નક્કી માનવામાં આવે છે.
 દરમિયાન, હૈદરાબાદ બળાત્કાર અને હત્યા પ્રકરણમાં આરોપીઓના એન્કાઉન્ટર પછી જ્યાં આખો દેશ જશન મનાવી રહ્યો છે ત્યાં તેલંગણા હાઈ કોર્ટે આદેશ આપ્યો છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓના મૃતદેહ નવમી ડિસેમ્બરે રાત્રે આઠ વાગ્યા સુધી સુરક્ષિત રાખવામાં આવે. કોર્ટે આ સંદર્ભમાં સરકારને આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં આરોપીઓના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં નહીં આવે. હાઈ કોર્ટે આ આદેશ મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયને મળેલા એક આવેદનપત્ર પર આવ્યો છે, જેમાં ઘટનાને લઈ ન્યાયિક હસ્તક્ષેપની માગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં આરોપ કરવામાં આવ્યો છે કે આ `ન્યાયેતર હત્યા' છે.
આ ઉપરાંત કોર્ટે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે ત્યારે તેનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું પણ જણાવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વીડિયો રેકોર્ડિંગ ડિસ્ટ્રિકટ જજને સોંપવાનો આદેશ પણ હાઈ કોર્ટે આપ્યો છે.
દરમિયાન આ કેસમાં ચારેય આરોપીઓના લાશોની તસવીરો સામે આવી છે. આરોપીની લાશો મળવાની જગ્યા એક બીજાથી થોડા-થોડા અંતરે છે.
એન્કાઉન્ટર સ્થળની જે તસવીરો સામે આવી છે તેમાં એક મૃતક આરોપીના હાથમાં બંદૂક જોવા મળી રહી છે. મૂળે હૈદરાબાદ રેલવે સ્ટેશનથી 24 કિમી દૂર શમશાબાદ ટોલ પ્લાઝાની પાસે ખાલી મેદાનમાં પીડિતાની સાથે ગૅંગરૅપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાસ્થળની પાસે જ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ છે.
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગૅંગરૅપ અને પછી સળગાવી દેવાના કેસમાં ચારેય આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા જવાની ઘટના પછી તેમના પરિવારજનો આઘાતમાં છે. મુખ્ય આરોપી મોહમ્મદ આરિફની માતાએ કહ્યું કે મારો પુત્ર ચાલ્યો ગયો. આરિફના પિતાએ પહેલા કહ્યું હતું કે જો મારા પુત્રએ અપરાધ કર્યો છે કે તે સૌથી સખત સજાનો હકદાર છે.
ચેન્નાકેશવુલુની પત્ની રેણુકાએ કહ્યું હતું કે પોલીસે મને પણ મારી નાખવી જોઈએ, કારણ કે પોતાના પતિના મોત પછી કશું જ નથી. રેણુકાએ કહ્યું હતું કે મને કહેવાયું હતું કે મારા પતિને કશું થશે નહીં અને તે જલદી પાછો આવી જશે. મને નથી ખબર શું કરવાનું છે. કૃપા કરી મને તે સ્થાને લઈ જાવ જ્યાં મારા પતિને માર્યો છે અને ત્યાં મને પણ મારી નાખો.
ચેન્નાકેશવુલુના થોડા મહિના પહેલા જ લગ્ન થયા હતા. બીજી તરફ શિવના પિતા જોસુ રામપ્પાએ કહ્યું હતું કે તેના પુત્રએ ગુનો કર્યો હશે પણ તેનો અંત આવો ન હોવો જોઈએ. ઘણા લોકોએ બળાત્કાર અને હત્યાઓ કરી છે, પણ તે આ રીતે માર્યા ગયા નથી. તેમને આ રીતે કેમ ના મારવામાં આવ્યા. 
તેલંગણામાં નારાયણપેઠ જિલ્લાના જકલર ગામમાં 26 વર્ષીય આરિફ ટ્રક ડ્રાઇવર બન્યા પહેલા એક સ્થાનિક પેટ્રોલ પંપમાં કામ કરતો હતો. અન્ય એક આરોપી જોલુ શિવા અને જોલુ નવિન બંને 20 વર્ષના હતા. સફાઇકર્મી તરીકે કામ કરી રહ્યા હતા અને તે જ જિલ્લાના ગુડીગંદલા ગામના હતા. ચિંતાકુંટા ચેન્નાકેશવુલ (20) તે જ ગામનો ટ્રક ડ્રાઇવર હતો.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer