રાણા દગ્ગુબટ્ટીના સ્થાને શરદ કેળકર

રાણા દગ્ગુબટ્ટીના સ્થાને શરદ કેળકર
અભિષેક દુધૈયાની ફિલ્મ ભુજ: ધ પ્રાઇડ અૉફ ઇન્ડિયાનું શૂટિંગ રાણા દગ્ગુબટ્ટીના લીધે અટકયું છે. નાદુરસ્ત તબિયતને લીધે રાણા શૂટિંગ કરી શકતો નથી. તેની તબિયત સારી થતાં હજુ થોડા મહિના નીકળી જાય એમ હોવાથી તેના સ્થાને અભિનેતા શરદ કેળકરને લેવામાં આવ્યો છે. શરદે ફિલ્મ તાન્હાજી : ધ અનસંગ વૉરિયરમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવી છે. આ જોયા બાદ જ ભુજ...ના નિર્માતાઓએ તેને લેવાનો નિર્ણય કર્યો હતો. શરદે આ સમાચારને સમર્થન આપતા જણાવ્યું કે, હું અને અભિષેક સંધર્ષના દિવસોથી એકબીજાને ઓળખીએ છીએ. ભુજ...માં એકશન દૃશ્યો વધારે છે અને રાણાને સાજા થતાં થોડા દિવસો લાગવાના હોવાથી મને તેની ભૂમિકા અૉફર કરવામાં આવી હતી. અભિષેકની પ્રથમ ફિલ્મમાં અભિનય કરવાની તક મળી તેનો આનંદ છે. અજય દેવગણ અને સંજય દત્ત પણ મને સારી રીતે ઓળખે છે. 
અગાઉ અજય અને શરદે મિલન લ્યુથરિયાની બાદશાહોમાં સાથે કામ કર્યું હતું. ત્યાર પહેલા ટીવી શો રોક ઍન્ડ રોલ ફેમિલીમાં તે હોસ્ટ અને જજ તરીકે હતા. શરદે કહ્યું કે, તે સમયે મને બીજી એક ચેનલ દ્વારા વધુ પૈસાની અૉફર કરવામાં આવી હતી. મેં અજય સાથે આ વિશે વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે આપણે સાથે કશુંક વધુ સારું કરીશું. તે હંમેશા મોટા ભાઇની જેમ મારી પડખે ઊભો રહ્યો છે. 
નાનપણમાં લશ્કરમાં જોડાવાની ઇચ્છા ધરાવતા શરદે જણાવ્યું હતું કે, લશ્કરનો ગણવેશ પહેરવાની મારી ઈચ્છા હવે પૂરી થશે. મેં છ વર્ષ સુધી જૂડોની તાલીમ લીધી છે જે હવે કામ લાગશે. 
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer