સાજિદ અને સલમાનની `કભી ઇદ કભી દિવાલી''

સાજિદ અને સલમાનની `કભી ઇદ કભી દિવાલી''
ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલા અને સલમાન ખાને 2021માં ઇદ અને નાતાલને ફિલ્મ રિલીઝ કરવા બુક કરાવી લીધી છે. આ જોડી ઇદે કભી ઇદ કભી દિવાલી રજૂ કરશે અને નાતાલમાં કિકની સિકવલ રજૂ થશે. કભી ઇદ કભી દિવાલીનું દિગ્દર્શન ફરહાદ શામજી કરશે. આ વર્ષના અંતમાં ફિલ્મનું શૂટિંગ થશે અને લાગલગાટ પૂરું કરવામાં આવશે. આ ફેમિલી ડ્રામા ફિલ્મમાં એકશન દૃશ્યોની પણ ભરમાર જોવા મળશે. ફિલ્મનું નરેશન સલમાનને ગત સપ્તાહે સંભળાવવામાં આવ્યું અને તેને તે ગમતા હવે પ્રી પ્રોડકશન તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ફિલ્મના શીર્ષકની જેમ જ સલમાનનું પાત્ર પણ રમતિયાળ છે. 
2014માં સાજિદે કિકનું દિગ્દર્શન પણ કર્યું હતું. હવે તેની સિકવલમાં તે ફરી દિગ્દર્શનની ધુરા સંભાળશે. સાજિદે કહ્યું કે, હું અને સલમાન છ વર્ષ પછી સાથે કામ કરીશું. અમારા જુડવાના દિવસો ફરી આવ્યા હોય એમ લાગે છે. કિકની સિકવલ અગાઉ મેં કભી ઈદ કભી દિવાલીની કથા લખવાની શરૂ કરી હતી. ફિલ્મમાં સલમાન નવા અવતારમાં જોવા મળશે અને પ્રેક્ષકોને તેનું આ સ્વરૂપ ગમશે. જોકે, તેની સામે કઇ અભિનેત્રીને લેવી તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. 
કભી ઇદ કભી દિવાલી એ સાજિદ અને ફરહાદની જોડીની ત્રીજી ફિલ્મ થશે. ફરહાદ પોતાની ફિલ્મ બચ્ચન પાંડેનું શૂટિંગ પૂરું કરીને કભી ઇદ કભી દિવાલીનું શુટિંગ શરૂ કરશે. જયારે હાલમાં સાજીદ કિક-ટુની કથા લખી રહ્યો છે. તેની સાથે લેખક રજત અરોરા કામ કરે છે. આ વર્ષના અંત સુધીમાં તેની પટકથા તૈયાર થશે. 
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer